સુરક્ષાના કારણોસર લેવાયો નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જુનાગઢનો ગિરનાર રોપવે છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર બંધ થઈ રહ્યો છે. જેમાં એક અઠવાડિયાથી તે સંપૂર્ણ બંધ છે અને દોઢેક મહિનાથી તેની સેવા અનિયમિત રહી છે.
આ અનિયમિતતા પાછળનું મુખ્ય કારણ વરસાદી વાતાવરણ અને તીવ્ર પવનની ગતિ છે. સુરક્ષાના કારણોસર બંધ રહે છે જ્યારે ગિરનાર પર્વત પર પવનની ગતિ ખૂબ જ વધી જાય છે, ત્યારે રોપવેનું સંચાલન બંધ કરી દેવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ અને તીવ્ર પવન ફૂંકાઈ રહ્યો છે. જૂનાગઢમાં પણ ગિરનાર પર્વત પર પવનની ઝડપ વધી હોવાથી મુસાફરોની સલામતી માટે રોપવે સેવા બંધ કરવામાં આવી છે. રોપવેનું સંચાલન કરતી કંપની દ્વારા યાત્રાળુઓને સલામતીની ખાતરી મળ્યા બાદ અને વાતાવરણ સામાન્ય થયા પછી સેવા ફરીથી શરૂ કરવામાં આવશે. જે પ્રવાસીઓએ અગાઉથી ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય તેમને આ અંગે મેસેજ દ્વારા જાણ પણ કરવામાં આવે છે. જો તમે ગિરનાર જવાનું વિચારી રહ્યા હો, તો મુસાફરી કરતા પહેલા રોપવેના સત્તાવાર સ્ત્રોત પરથી તેની વર્તમાન સ્થિતિની માહિતી મેળવી લેવી હિતાવહ છે.