ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ જિલ્લામાં નિર્મળ ગુજરાત 2.0 અભિયાન અને જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં જિલ્લાના તમામ સરપંચો, તલાટી-કમ-મંત્રીઓ અને પંચાયતના અન્ય કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પંચાયત સ્તરે વહીવટી કાર્યક્ષમતા વધારવાનો હતો.
તાલીમમાં વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા હતા, જેમાં સરપંચની ફરજો અને જવાબદારીઓ, ગ્રામ પંચાયતના ખર્ચ, બેઠકોની કાર્યપદ્ધતિ, વિવિધ સરકારી યોજનાઓ (જેમ કે મનરેગા, સ્વચ્છ ભારત મિશન, ઙખઅઢ, ગછકખ), કરવેરા વસૂલાત, નવીન આકારણી, અને પંચાયત એડવાન્સ ઇન્ડેક્સ (ઙઅઈં 2.0) જેવી બાબતો પર વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, પંચાયતની મિલકતોની સંભાળ, ગામતળ-ગૌચર વ્યવસ્થાપન, અને આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમમાં ઉપસ્થિત સરપંચો, તલાટી-કમ-મંત્રીઓ અને અન્ય કર્મચારીઓએ કાર્યક્રમની પ્રશંસા કરી અને જણાવ્યું કે આ તાલીમ તેમના રોજિંદા કાર્યોમાં ગુણવત્તા, સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ થશે. આ પ્રસંગે જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ, જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, સમાજ કલ્યાણ અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા સરપંચો અને કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો



