ગણતંત્ર દિન નિમિત્તે જિલ્લાના ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓનું સન્માન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દેશભક્તિ સભર માહોલમાં સંપન્ન થઈ હતી. મેંદરડા પોબારી ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ધ્વજ વંદન કરી પરેડની સલામી ઝીલી હતી.
- Advertisement -
આ પ્રસંગે કલેક્ટર દ્વારા જિલ્લાના નાગરિકોને પ્રસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજથી 75 વર્ષ પહેલાં પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. આપણા બંધારણમાં કલ્યાણ રાજ્યની સ્થાપનાનો ઉદ્દેશ રહેલા છે. આ શ્રેષ્ઠ બંધારણ થકી ભારતની પ્રજાસત્તાક લોકશાહી સુદ્રઢ બની છે. ઉત્તમ બંધારણના પરિણામે આપણો દેશ સુરાજ્યના નિર્માણ આગળ વધ્યો છે. આ આપણું ગૌરવ છે. તેમણે વધુમાં કહ્યું કે એક જવાબદાર નાગરિક તરીકે આપણે આપણા કર્તવ્યનું પાલન કરી અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની આપણી ફરજ છે. આ પ્રસંગે તેમણે આરઝી હકુમતની લડાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાએ તેનો ભવ્ય વારસો વર્તમાન સમયમાં પણ જાળવીને વિકાસના પથ પર જિલ્લો અગ્રેસર રહ્યો છે. પ્રવાસન, કૃષિ ,આધ્યાત્મિકતા, શિક્ષણ એમ દરેક ક્ષેત્રે જૂનાગઢ જિલ્લાએ વિકાસના નવા ચિન્હો પ્રસ્થાપિત કર્યા છે.પ્રજાસત્તાક પર્વની પરેડનું નેતૃત્વ પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી ગઢવી એ કર્યું હતું.કલેકટરે પોલીસ, મહિલા પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, એસપીસી, માઉન્ટેન પ્લાટુનની સલામી ઝીલી હતી.
આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ,ડોગ શો, અશ્વ શો તેમજ વિવિધ વિભાગમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારી તથા અસાધારણ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન કલેક્ટરશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓ એ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર તમામ વિદ્યાર્થીઓને તેમજ પોલીસ જવાનોને બિરદાવ્યા હતા.આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાન, નિવાસી અધિક કલેક્ટર એન.એફ. ચૌધરી, મેંદરડા પ્રાંત અધિકારી કિશન ગળસર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.