ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના યુવા સર્જન ડો. કેતન કે.પરમારે આજે 75 વર્ષના વૃદ્ધાના થાપાનો ભાંગેલો ગોળો માત્ર 7 મિનિટમાં બદલાવી જનરલ એનેસ્થેસિયા આપ્યા વગર માત્ર લોકલ એનેસ્થેસિયા કરીને સફળતાપૂર્વક સર્જરી કરતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલને મોટી સિદ્ધિ હાંસલ થઈ છે. ગુજરાતમાં આ પ્રકારનું પ્રથમ ઓપરેશન થયાનું તબીબ જણાવે છે.
સફળ ઓપરેશન અંગે ડો. કેતન પરમારે જણાવ્યું હતું કે, થાપાના ગોળાનું ઓપરેશન કરવામાં સામાન્ય રીતે અડધો કલાક જેટલો સમય થતો હોય છે એટલે તે લોકલ એનેસ્થેસિયા પર એટલે કે માત્ર એટલા ભાગ પૂરતી ચામડી ખોટી કરીને આ પ્રકારનું ઓપરેશન ક્યારેય થતું નથી.
પરંતુ તેઓએ અગાઉ જનરલ એનેસ્થેસિયા આપીને 500 જેટલા ઓપરેશનો કર્યા હોય અને ગોળો બદલવવાની સર્જરીમાં ઓછામાં ઓછો સમય લાગે તેવી કુશળતા હાંસલ કરતા અને 7 મિનિટમાં આ ઓપરેશન તેઓ કરી નાખતા હોવાથી આજે પ્રથમ વખત તેઓએ માત્ર લોકલ એનેસ્ટથેસિયા આપીને 75 વર્ષના વૃદ્ધાના ભાંગેલા થાપાના ગોળાને બદલાવી બાયો પોલાર હેમી અર્થો પ્લાસ્ટિની સફળ સર્જરી કરી હતી.ત્યારે ડો.કેતન પરમારને આ સિદ્ધિ બદલ ઓર્થોપેડિક વિભાગના વડા ડો. પાલા, મેડિકલ કોલેજના સુપ્રિટેન્ડેન્ટ તેમજ અન્ય તબીબોએ અભિનંદન આપ્યા હતા.
જૂનાગઢ સિવિલની સિદ્ધિ: જનરલ એનેસ્થેસિયા આપ્યા વગર માત્ર 7 મિનિટમાં વૃદ્ધાનો તૂટેલો ગોળો બદલાવ્યો
