કોરોનાના કેસમાં વધારો થતાં આરોગ્ય તંત્ર એલર્ટ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
- Advertisement -
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતાં આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. રાજ્યમાં તાજેતરમાં 9 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાઓમાં આગોતરું આયોજન શરૂ કરવામાં આવ્યું છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 800 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, દર્દીઓની સંખ્યા વધે તો વધુ બેડ ઉપલબ્ધ કરાવવાની તૈયારી છે. હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અને ટેન્કની વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે.
હોસ્પિટલમાંRT-PCR અને એન્ટિજન ટેસ્ટ માટેની કીટ્સ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. દવાઓનો પૂરતો જથ્થો, PPE કીટ્સ, વેન્ટિલેટર અને ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તબીબી, નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફને 24 કલાક ફરજ પર હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. સ્થિતિનું સતત મોનિટરિંગ થઈ રહ્યું છે.
રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે નાગરિકોને સામાજિક અંતર જાળવવા, માસ્ક પહેરવા અને હાથની સ્વચ્છતા રાખવા અપીલ કરી છે. લક્ષણો જણાય તો તુરંત નજીકની આરોગ્ય સુવિધાનો સંપર્ક કરવા જણાવ્યું છે. કોરોનાનું સંક્રમણ હાલના તબક્કે નાનું લાગે પણ જો યોગ્ય તકેદારી ન રાખવામાં આવે તો તેનું સ્વરૂપ મોટું બની શકે છે. આવી સ્થિતિમાં સરકાર અને તંત્ર દ્વારા જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તેમાં સામાન્ય નાગરિકના સહયોગ વિના સફળતા મળવી શક્ય નથી. હવે દરેક નાગરિકે પોતાનું જવાબદારીપૂર્વકનું વર્તન રાખવું જરૂરી છે.