જૂનાગઢ મનપાના નવા મેયરનું નામ જાહેર થતાં ભાજપમાં ભંગાણની સ્થિતી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કર્યાના 24 કલાકમાં જ ભાજપમાં ભડકો થયો છે. મેયરની વરણીને લઈ ભાજપમાં અસંતોષ બહાર આવ્યો છે અને પાંચ કોર્પોરેટરે તમામ પદો પરથી રાજીનામા દેવાની જાહેરાત કરી છે. બ્રીજીશાબેન સોલંકી, જીવાભાઈ સોલંકી, વાલભાઈ આમછેડા, દિવાળીબેન પરમાર અને અશોકભાઈ ચાવડાએ તમામ પદો પરથી રાજીનામાં ધરી દેવાની જાહેરાત કરી છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગીતાબેન પરમારને મેયર બનાવતા વિવાદ થયો છે અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો બગડ્યા છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છ એસ.સી. સભ્યો પૈકી પાંચ દલિત અને એક વાલ્મિકી નગરસેવક હોવા છતાં દલિતને બદલે વાલ્મિકી નગરસેવકને મેયર બનાવતાં વિવાદ થયો છે. દલિત સમાજના પાંચ સભ્યો રાજીનામા આપવા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પહોંચ્યા છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંનવા પદાધિકારીઓ આજે પદગ્રહણ કરે ત્યારે પાંચ નગર સેવકોના રાજીનામાં પડશે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહાનગરપાલિકાના નવા મેયરને લઈને ભાજપમાં પહેલેથી ઉકળતો ચરૂ હતો અને ગીતાબેન પરમારની પસંદગી થતાં આ અસંતોષ બહાર આવી ગયો છે.
પાંચ દાવેદારને પાછળ રાખી ગીતાબેન મેયર બન્યા
નામ જાહેર થતાં પતિ સાથે બાઈક પર બેસીને કોર્પોરેશન પહોંચ્યા. ડે. મેયર તરીકે ગીરીશ કોટેચા 10મી વખત ચૂંટાયા: દંડક તરીકે અરવિંદ ભલાણી
- Advertisement -
મહાપાલિકાના જનરલ બોર્ડમાં તેઓની બિનહરીફ મેયર તરીકે વરણી કરવામાં આવી હતી. આ વખતે મેયરપદ એસ.સી. અનામત હતું, જેના કારણે તેઓની સાથે મેયર બનવા માટે અન્ય પાંચ દાવેદારો પણ રેસમાં હતા. જેમાં દિવાળીબેન પરમાર, બ્રિજેશાબેન ઘુઘલ, વાલાભાઈ આમછેડા, જીવાભાઈ સોલંકી, અશોકભાઈ ચાવડાની સરખામણીએ મોવડી મંડળે ગીતાબેન પરમાર પર મેયરના તાજનો કળશ ઢોળ્યો હતો. વાલ્મીકિ સમાજમાંથી આવતાં જૂનાગઢના નવા મેયર તરીકે નામ જાહેર થતાં પતિ મોહનભાઈ પરમાર સાથે બાઈક પર બેસીને કોર્પોરેશન કચેરી ખાતે પહોંચ્યા હતા.
વિકાસના કામોનું વચન આપતા મેયર ગીતાબેન પરમાર
શહેરના નવા મેયર ગીતાબેન પરમારે તેમના પ્રદેશ ભાજપના મોવડી મંડળ અને જૂનાગઢ શહેર ભાજપના આગેવાનોનો આભાર વ્યક્ત કરીને તેઓના શાસન કાળમાં શહેરમાં વિકાસના કામો સતત કરતા રહેવાનું વચન આપ્યું છે. તેઓએ એફ.વાય. બી.એ. સુધી અભ્યાસ પૂર્ણ કરેલ છે.
ગીતાબેન પરમાર વિશે વધુ…
2019માં પ્રથમ વાર પોતાના વોર્ડ નંબર 9માંથી સૌથી વધુ 5749 મત મેળવીને વિજયી થયા હતા. વોર્ડમાં પ્રથમ ટર્મના મેયર ધીરૂભાઈ ગોહેલ પણ વિજયી થયા હતા, પરંતુ તેઓને મેયર કરતાં પણ વધુ મત મળ્યા હતા. તેમના વિસ્તાર ભવનાથ, દુબળી, કૈલાસનગર, ઉપરકોટ સહિતના વિસ્તારના મતદારોમાં લોકચાહના ધરાવે છે.કારણ કે તેમના પતિ મોહનભાઈ પરમાર અગાઉ બે વખત અહીંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવેલા અને મોહનભાઈ 1992થી ભાજપ સાથે સંકળાયેલા અને સતત પાર્ટીના વફાદાર અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોવાથી તેમના પત્નીને ગત વખતે તેમના બદલે ટિકિટ આપીને આ વર્ષે મેયરપદ આપ્યું હતું. મોહનભાઈ હાલ શહેર કોષાધ્યક્ષ તરીકે સેવા બજાવે છે.જ્યારે ગીતાબેન પરમાર મૂળ આરએસએસના સ્વયંસેવિકા છે અને ભારત તિબેટ સંઘ જૂનાગઢ જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે કામગીરી બજાવી રહ્યા છે જે તમામ પરિબળોને લઈને તેઓની મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે.
- Advertisement -
અધૂરા કામો પૂરી કરીશું: ગીરીશ કોટેચા
જૂનાગઢ મનપાના 10મી વખત ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાઈ આવેલા ગીરીશ કોટેચાએ જણાવ્યું કે તેમના પર પ્રદેશ ભાજપે વિશ્ર્વાસ મૂક્યો છે તેના માટે તેઓનો આભાર અને તેમના અગાઉના શાસકોએ જે કંઈ વિકાસના કામો શરૂ કર્યા છે તેને આગળ ધપાવીને અટકવા નહીં દઈએ. જૂનાગઢને ટુરીઝમ હબ બનાવીશું. ઉપરકોટ, મકબરા સહિતના વિકાસના કામો ચાલુ રહ્યા છે તે ઉપરાંત આવનારા અનેક પ્રોજેક્ટને પૂર્ણ કરાશે.