આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જૂનાગઢ બન્યું યોગમય
ઉપરકોટ, ગિરનાર પર્વત સહિત 6 ઐતિહાસિક સ્થળ, 1278 શૈક્ષણિક સંસ્થાઓમાં યોગ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આજે જૂનાગઢ યોગમય બન્યું. સોરઠમાં ગીરનાર પર્વતથી લઇ સોમનાથ મંદિર સુધી યોગ કરવામાં આવ્યાં છે.જૂનાગઢમાં 6 ઐતિહાસિક સ્થળ,1278 શૈક્ષણિક સંસ્થાઓ,આરોગ્ય કેન્દ્ર, સરકારી કચેરીઓમાં યોગ કરવામાં આવ્યાં હતાં. જોકે જૂનાગઢમાં અક્ષર મંદિર ખાતે યોગ દરયિમાન એક વિદ્યાર્થીની તબીયત લથડતા મેયરની ગાડીમાં સારવારમાં લઇ જવામાં આવ્યો હતો.
21 જૂન એટલે વિશ્ર્વ યોગ દિવસ. જૂનાગઢમાં 8મો વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. સવારનાં જૂનાગઢ શહેર સહિત જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લામાં યોગનાં કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતાં. સોરઠનાં બન્ને જિલ્લામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં ગીરનાર પર્વત, ઉપરકોટ, દામોદરકુંડ, ખાપરા કોડીયાની ગુફા, સાસણ સિંહ સદન, દેવળીયા પાર્કમાં યોગ કરવામાં આવ્યાં હતાં. તેમજ જૂનાગઢનાં કૃષિ યુનિવર્સીટી અને અક્ષર મંદિર ખાતે જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. આ ઉપરાંત નવ તાલુકા કેન્દ્ર, સાત નગર પાલીકા કેન્દ્ર, જૂનાગઢ મનપાનાં 15 વોર્ડ, 40 આરોગ્ય કેન્દ્ર, 237 પેટા આરોગ્ય કેન્દ્ર, જિલ્લા જેલ, 20 પોલીસ સ્ટેશન, સિવીલ હોસ્પિટલ અને 1278 શૈક્ષણિક સંસ્થામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જૂનાગઢમાં અક્ષર મંદિરે યોજાયેલા કાર્યક્રમમાં યોગ દરયિમાન એક છાત્રની તબીયત લથડી હતી. છાત્રને સ્થળ ઉપર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બાદ તાત્કાલીક મેયર ગીતાબેન પરમારની ગાડીમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં યોગનો કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં સોમનાથમાં લોકોએ યોગ કરી વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. આજે સવારથી જૂનાગઢ અને ગીર સોમનાથ યોગમય બન્યું હતું.
- Advertisement -
જૂનાગઢમાં યોગ દરયિમાન છાત્રની તબીયત લથડી, મેયરની ગાડીમાં સારવારમાં ખસેડ્યો
વિલિંગ્ડન ડેમ ઉપર યોગનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં પ્રકૃતિ વચ્ચે પણ યોગ કરવામાં આવ્યાં હતાં. જૂનાગઢ સાયકલ કલબ દ્વારા વિલીંગ્ડન ડેમ ઉપર યોગ કરવામાં આવ્યાં હતાં. કુદરતનાં સાનિધ્યમાં યોગનો કાર્યક્રમ યોજાયો હતો.
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં 200 લોકોએ યોગ કર્યા
જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહીં 200 લોકોએ યોગ કર્યા હતાં. આ તકે સુપ્રિટેન્ડેન્ટ સુશીલકુમાર, વૈશાલીબેન ચુડાસમા, મિતલબેન સોલંકી, મયુરભાઇ ચુડાસમા સહિતનાં હાજર રહ્યાં હતાં.