રાજ્યસભામાં આજે સરકાર તરફથી વક્ફ સુધારા બિલ અંગે સંયુક્ત સંસદીય સમિતિ(JPC) દ્વારા તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર જોરદાર હોબાળાની સ્થિતિ જોવા મળી હતી. આ મામલે વિપક્ષ તરફથી આક્રમક વલણ અપનાવાયો હતો. ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં વક્ફ બિલ અંગે JPCનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. ભાજપના સાંસદ મેધા વિશ્રામ કુલકર્ણીએ રાજ્યસભામાં આ બિલ રજૂ કર્યું હતું. જેના બાદ લોકસભા 2 વાગ્યા સુધી અને રાજ્યસભા 11:20 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
મુસ્લિમો વિરુદ્ધ નફરતનું વાતાવરણ ઊભું કરાઈ રહ્યું છે : ઇમરાન મસૂદે
કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું છે કે મુસ્લિમો વિરુદ્ધ નફરતનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. અમે આ બિલની વિરુદ્ધ છીએ. બંધારણ હેઠળ આપણને જે અધિકારો મળ્યાં છે આ તેની વિરુદ્ધ છે. આ બિલ ઇતિહાસમાં કાળા અક્ષરોમાં લખાશે. ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું કે સરકારે અમારી અસંમતિઓ ધ્યાને પણ લીધી નથી. તેમનો એજન્ડા લઘુમતીઓને નિશાન બનાવવાનો છે.
- Advertisement -
ભાજપના સુધારાઓ માન્ય રખાયા હતા વક્ફ સુધારા બિલમાં
30મી જાન્યુઆરીના રોજ જેપીસી પેનલના અધ્યક્ષ જગદંબિકા પાલ સંસદ ભવનમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાને તેમની ઓફિસમાં મળ્યા અને તેમને રિપોર્ટ સુપરત કર્યો હતો. ખરેખર તો 29 જાન્યુઆરીએ JPC પેનલે બહુમતીનાં આધારે રિપોર્ટ સ્વીકારી લીધો હતો. તેમાં શાસક ભાજપના સભ્યો દ્વારા સૂચવવામાં આવેલા ફેરફારોનો સમાવેશ કરાયો હતો. સંસદીય સમિતિના વડા ભાજપના સાંસદ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે NDA સાંસદો દ્વારા રજૂ કરાયેલા 14 સુધારા સ્વીકારવામાં આવ્યા હતા જ્યારે વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા તમામ સુધારા નકારી કાઢવામાં આવ્યા હતા.
આજે સંસદમાં નવું આવકવેરા બિલ પણ રજૂ થઈ શકે
- Advertisement -
આવકવેરાની જોગવાઈઓને સરળ બનાવવા માટે રચાયેલ આવકવેરા બિલ, 2025ને આજે સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ બિલમાં, ‘આકારણી વર્ષ’ જેવી જટિલ પરિભાષાને બદલે ‘કર વર્ષ’નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે. નવા બિલમાં 536 કલમો, 23 પ્રકરણો અને 16 અનુસૂચિઓ છે. તે ફક્ત 622 પાના પર છપાયેલું છે. આમાં કોઈ નવો કર લાદવાનો ઉલ્લેખ નથી.