2 મહિનાથી કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈકર્મીઓને પગાર આપ્યો નથી
વિવિધ સમસ્યાઓ સપ્તાહમાં દૂર નહીં થાય તો આંદોલનની ચિમકી આપી હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
સુરેન્દ્રનગર દૂધરેજ વઢાવણ સંયુક્ત પાલિકામાં નગર પાલિકાના કોન્ટ્રાક્ટ બેઇઝમાં અંદાજીત 300થી વધુ રોજમદાર સફાઇ કામદર કામ કરી રહ્યા છે. જેમને આજદીન સુધી લઘુતમ વેતનનો અમલ કરાયો નથી. 2 મહિનાથી કોન્ટ્રાક્ટરોએ પગાર આપ્યો નથી. જે અંગે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઇ પાટડીયા તથા સફાઇ કામદારોએ પાલિકા કચેરીમાં સૂત્રોચ્ચાર કરી લેખિત રજૂઆત કરી હતી. જે મુજબ રોજમદાર સફાઇ કામદારોને ડિસેમ્બર 2024 અને જાન્યુઆરી 2025ના મહિનાનો પગાર થયો નથી. પહેલા સંયુકત પાલિકા હતી ત્યારે પણ આ સમસ્યા રહેતી હાલ મનપા છે તો પણ તે સમસ્યા રહી છે.
- Advertisement -
આ ઉપરાંત કોન્ટ્રાક્ટર બેઇઝ સફાઇ કામદારોના વિવિધ પ્રશ્નોને ગંભીરતા લઇ તાત્કાલિક સમસ્યા દૂર કરવા માગ કરી હતી. જો એક સપ્તાહમાં તેમ નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી આપી હતી. વ્યાજે પૈસા લાવી ઘર ચલાવવું પડે છે આ અંગે સફાઇ કામદાર ગીતાબેને જણાવ્યું કે અમો સફાઇ કામદાર તરીકે કામ કરીએ છીએ. છેલ્લા 2 માસથી પગાર ન થતા ઘર ચલાવવું મુશ્કેલ થઇ ગયું છે. પતિ ન હોવાથી સફાઇ કામથી મળતા પગારથી ઘર ચાલે છે. આથી વ્યાજે પૈસા લાવી કામ ચલાવવું પડે છે. સંયુક્ત પાલિકા વખતે હતી તે તકલીફ મહાનગર પાલિકામાં પણ જેમની તેમ જ છે.