ત્રણ મહિના સુધી ચાલશે ક્રિકેટોત્સવ, સેમી ફાઇનલ અને ફાઇનલ રાત્રી પ્રકાશમાં રમાશે
મીડિયાની ટીમો ઉપરાંત રાજકોટ સિટી પોલીસ, જી.એસ.ટી., ઇન્કમટેક્સ, સરકારી પ્રેસ, જિલ્લા પંચાયત વગેરેની ટીમો પણ ભાગ લેશે
- Advertisement -
ઇનામોની વણઝાર, ફાઇનલમાં શાનદાર ઇનામ વિતરણ સમારોહ યોજાશે
રાજકોટ મીડિયા ક્લબ અને રાજકોટ મહાનગરપાલિકાનું મહાઆયોજન
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મીડિયા ક્લબ અને રાજકોટ મીડિયા ક્લબ આયોજિત તથા જેએમજે ગ્રૂપ પ્રાયોજિત 2024ની 4 પિલર ક્રિકેટ ટુર્નામેન્ટ આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં મીડિયાની 15 ટીમો ભાગ લઇ રહી છે, જેમાં શહેરના લગભગ તમામ સવારના અને સાંજના અખબારોની ટીમ તો હોય જ છે, એ ઉપરાંત ઇલેક્ટ્રોનિક મીડિયા, રેસ્ટ ઓફ પ્રેસ (જેમાં મેગેઝિન્સ તથા અંગ્રેજી છાપાંઓનો બ્યુરો સ્ટાફ તેમ જ એફ. એમ. રેડિયોના છઉં વગેરે સામેલ હોય છે) જેવી ટીમો પણ હોંશેહોંશે ભાગ લેતી હોય છે.
- Advertisement -
આ વર્ષે લોકશાહીના અન્ય ત્રણ સ્તંભ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લે તેવા પ્રયાસો થઈ રહ્યા છે જેમાં મીડિયા ઉપરાંત સિટી પોલીસ, ઇન્કમ ટેક્સ, જીએસટી, જિલ્લા પંચાયત તથા સરકારી પ્રેસ વગેરેની ટીમો સામેલ છે.
દર વર્ષે આ ટુર્નામેન્ટની સેમી ફાઇનલ તથા ફાઇનલ મેચો રાત્રી પ્રકાશમાં રમાતી હોય છે અને શહેરભરના અનેક મહાનુભાવોએ તેનો આનંદ ઉઠાવે છે. રાજકોટની અનેક સેલિબ્રિટીઝ તેમાં ઉપસ્થિત રહી ને આયોજકોનો અને ખેલાડીઓનો ઉત્સાહ વધારે છે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર ગમ્મત ખાતર નથી હોતી. બધી જ ટીમના પ્લેયર્સ દોઢ-બે મહિના સખ્ત પ્રેક્ટિસ કરે છે. બધા જ ગંભીરતાથી રમે છે. આ ટુર્નામેન્ટ પૂર્ણત: આંતરરાષ્ટ્રીય નિયમોથી રમાય છે. રાજકોટના ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાતી આ ટુર્નામેન્ટમાં સીઝન બોલનો જ ઉપયોગ થાય છે, સ્ટેટ પેનલના અમ્પાયર્સ, સ્ટેટ પેનલના સ્કોરર્સની સેવાઓ લેવામાં આવે છે. બે ઇનિંગ વચ્ચેના બ્રેકમાં ચા-નાસ્તો અપાય છે. સારા ઈનામો આપવામાં આવે છે. ફાઈનલ મેચ પછી એક જમણવારનું આયોજન છે જેમાં ઉપસ્થિત મહેમાનો ઉપરાંત દરેક ટીમના લોકો અને અન્ય અનેક મોભીઓ હાજરી આપશે.
આ ટુર્નામેન્ટ ભૂતકાળમાં અનેક વખત યોજાઈ છે પરંતુ કોઈને કોઈ કારણોસર નિયમિત થતી નહોતી. છેવટે વિવિધ મીડિયા ગ્રુપમાંથી 11 લોકોની એક કમિટી બનાવી અમે છેલ્લા 12 વર્ષથી આ ટુર્નામેન્ટ નિયમિત યોજવા નિર્ધાર કર્યો છે. કારણ કે, સતત સ્ટ્રેસ નીચે કામ કરતા કર્મીઓ માટે આ આયોજન કોઈ તહેવારથી કમ નથી. સૌ ઉત્સાહભેર ભાગ લે છે અને ખેલભાવનાથી રમે છે.
ટુર્નામેન્ટમાં અમ્પાયર તરીકે પ્રદીપસિંહ જાડેજા અને તેમની ટીમ, કોમેન્ટેટર તરીકે શિરિષભાઈ ચુડાસમા સેવા આપશે. જ્યારે સાઉન્ડ સિસ્ટમ ઓમ સાઉન્ડવાળા અમિતભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવશે.
ખેલાડીઓને મિનરલ વોટર અને હેલ્થી ફૂડ ફ્રીમાં અપાશે
રાજકોટ મીડિયા ક્લબ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને મિનરલ વોટર અને હેલ્થી ફૂડ ફ્રીમાં આપવામાં આવશે. તમામ મેચ દરમિયાન જગતભાઈ માતરિયા – મેક્સ બેવરેજીસ તરફથી વિનામૂલ્યે પાણીની સેવા પૂરી પાડવામાં આવશે આ ઉપરાંત તમામ મેચમાં ખેલાડીઓને ભાતભાતની અવનવી સ્વાસ્થપ્રદ વાનગીઓ પિંકીબેન તુષારભાઈ રાચ્છ તરફથી પીરસવામાં આવશે.
સિનર્જી હોસ્પિટલના ડૉ. જયેશ ડોબરિયાની ટીમ ગ્રાઉન્ડ પર હાજર રહેશે
હાર્ટએટેકના વધતા બનાવને ધ્યાનમાં રાખીને આ વર્ષે યોજાનારી મીડિયા ક્રિકેટ ક્લબ ટૂર્નામેન્ટની દરેક મેચમાં સિનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરિયાની ટિમ ગ્રાઉન્ડ પર હાજર રહેશે. ખેલાડીઓને કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સંલગ્ન તકલીફ પડે તે માટે સિનર્જી હોસ્પિટલના ડોક્ટર ઉપરાંત ફિશ્ર્યોથેરાપિસ્ટ પણ મેચ દરમિયાન ગ્રાઉન્ડ પર સતત સેવા આપશે.