જ્યાં ગણપતિ સ્થાપના કરી તે જ ટાવર પર અરબી ઝંડો લગાવ્યો, ઉતરાવ્યો તો ફરી તમામ વિંગ પર ઝંડા લગાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ વડોદરા
- Advertisement -
વડોદરા શહેરમાં હાલ ગણપતિ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરા શહેરના ભાયલી રોડ પર આવેલી આવાસ યોજના અર્બન-7 રેસિડેન્સીના ટેરેસ પર ગઈકાલે (8 સપ્ટેમ્બર, 2024) અરબી ઝંડા લાગ્યા છે અને શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઘટનાને લઇને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સૌથી પહેલાં ઋ ટાવરમાં જ્યાં ગણપતિની સ્થાપના કરી છે ત્યાં ઝંડો લાગ્યો હતો. જો કે બાદમાં આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટર નીતિન દોંગાને જાણ થતાં તેઓએ ઘટનાસ્થળે દોડી જઈ ઝંડો ઉતરાવી લીધો હતો. ત્યાર બાદ તમામ ટાવરમાં ઝંડા લગાવવામાં આવ્યા હતા. જેથી કોર્પોરેટરે દોંગાએ ફરી જઈને આ ઝંડાઓ ઉતરાવી લીધા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી ગઈ હતી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. આ મામલે સ્થાનિક કિશનભાઈ માળીએ જણાવ્યું હતું કે, ગણપતિના તહેવારમાં હિન્દુઓને ઉશ્ર્કેરવા માટે ઝંડા લગાવ્યા છે. એમના ઝંડા અમે ઉતારી દીધા છે પણ એ લોકો કહે છે કે, અમારા તહેવાર આવે છે, અમારા પણ ઝંડા રહેવા જોઇએ. અમે કહીએ છીએ કે, હળીમળીને તમે રહો. તમે આ પ્રકારની પ્રવૃત્તિ ન કરો. આપણા દેશના ઝંડાઓ લગાવતા નથી અને પાકિસ્તાનના ઝંડા લગાવો છો. ભારતમાં રહીને પાકિસ્તાનના ઝંડા લગાવે એવું તો ના જ થવું જોઇએ. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં-10ના કોર્પોરેટર નીતિન દોંગાએ જણાવ્યું હતું કે, હાલ ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના ભાયલી રોડ પર આવેલા અર્બન સેવનમાંથી મને ફોન આવ્યો હતો કે, કોઇ ઝંડો લગાવવામાં આવ્યો છે.
ત્યાં જઇને જોયું તો અરબનો ઝંડો હતો. જેથી તાત્કાલિક અમે ઝંડો ઉતારી લીધો હતો. ત્યારબાદ એ લોકોએ તમામ ટાવરો ઉપર ઝંડા લગાવી દીધા હતા. જેથી ફરી મને ફોન આવ્યો હતો, જેથી ફરી આવીને અમે બધા ઝંડા ઉતારી લીધા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગીએ છીએ કે, જ્યારે અમારા તહેવારો ચાલી રહ્યા છે, ત્યારે આ બિનજરૂરી વૈમન્સ્ય ઊભું કરવાની જે પ્રવૃત્તિ થઈ રહી છે, એને બંધ કરવી પડે. કારણ કે, ગણપતિના તહેવાર છે અને ઇદના પણ તહેવાર આવવાના છે. આ નાની બાબતમાં સમગ્ર વડોદરામાં ભડકો થાય, ગુજરાતમાં થાય અને પછી સમગ્ર દેશમાં થાય. આ પ્રકારનું કૃત્ય કરતા હોય એમને અટકાવવા પડે. અમે અમારા લેવલે અટકાવી દીધુ છે. ફરી બીજી વખત ન કરે એ માટે અમારે જે કહેવાનું હતું, એ અમે કહી દીધું છે.₹ આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જયરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અર્બન-7 રેસિડેન્સીમાંથી કોલ મળતા અમારી ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. ત્યાં કેટલાક લોકોએ લગાવેલા ઝંડા તે લોકોએ ઉતારી લીધા હતા. જેથી મામલો થાળે પડી ગયો હતો.
‘ગણેશ પંડાલના ટાવર ઉપર ઝંડો લગાવાવની શું જરૂર?’
કોર્પોરેટરે વધુમાં ઉમેર્યુ હતું કે, અહીં 10 ટાવર છે, જેમાં ફક્ત ઋ ટાવરમાં બધાએ મળીને ગણપતિનો મંડપ બનાવ્યો છે. ગણપતિની સ્થાપના કરી છે, તે ટાવર ઉપર જ ઝંડો લગાવવાની શું જરૂર પડી? એ શું સાબિત કરવા માંગે છે, જ્યાં અમારા ગણપતિજીનો મંડપ છે, એની ઉપર તમે અરબનો ઝંડો લગાવો છો. આ બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. જેને સમજવું હોય એ સમજી લે.