ભારે વરસાદ સાથે ફૂંકાતા પવનના લીધે બેનરો ઉડ્યા, લોકમેળામાં પાણી ભરાયાં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
રાજ્યમાં લોકમેળાની શરૂઆત થતાં જ સાતમના દિવસે કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના લીધે સુપ્રસિધ્ધ મેળાને વરસાદનું ગ્રહણ લાગ્યું હતું. સાતમ – આઠમના લોકમેળા દરમિયાન વરસાદની એન્ટ્રી થતાં જ તાત્કાલિક લોકમેળા બંધ કરવા પડ્યા હતા જ્યારે સતત 24 કલાક અવિરત વરસાદના લીધે ઝાલાવાડમાં લગભગ તમામ નદી તથા તળાવો પણ પાણીની છલોછલ થતાં ઓવર ફલો થયા હતા.
- Advertisement -
સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રાંગધ્રાના લોકમેળામાં પાણી ભરાતા તાત્કાલિક મેળા બંધ કરવા અને લોકોને સલામત સ્થળે ખસેડવા કામગીરી આદરી હતી. આ તરફ ઝાલાવાડના સુપ્રસિધ્ધ ધ્રાંગધ્રાની ભાતીગળ લોકમેળામાં વરસાદ બાદ તબાહીના દ્રશ્યો નજરે પડ્યાં હતાં કેટલાય નાના ધંધાર્થીઓને મોટું નુકશાન થયું હતું
ત્યારે નદીના પટ્ટમાં પાણીની આવક શરૂ થતાં જ ધ્રાંગધ્રા જન્માષ્ટમીનો લોકમેળો રદ રાખવાનો નિર્ણય કરાયો હતો. સાતમ અને આઠમ એમ બે ધવસ સતત વરસાદના લીધે લોકમેળો બંધ રહ્યો હતો ત્યારે ત્રીજા દિવસે તંત્ર દ્વારા મેળાની પરમિશન રદ કરાઇ હતી જ્યારે આ તરફ સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે યોજાતા મેળાને પણ રદ રાખતા આ વર્ષે ઝાલાવાડના તમામ લોકમેળાના વરસાદે ગ્રહણ લગાવ્યું હતું.