5 કરોડ રોકડા અને 50 કરોડની જમીન લઈ લીધા, હજુ વધુ રૂપિયા અને મિલકતની માંગણી કરતા વ્યાજખોરોપટેલ પરિવારનું આર્થિક, માનસિક અને શારીરિક શોષણ કરી કાળો કેર વર્તાવતા જીતેન્દ્ર અને ધીરુ
ખાસ-ખબર સંવાદદાતા
વ્યાજખોરો જીતેન્દ્ર આરદેશણા અને ધીરુ કુંગશીયા સહિતનાઓએ ગીતાબેન શૈલેષભાઈ પટેલ પરિવારને 3 કરોડ વ્યાજ પર આપ્યા હતા. વ્યાજ પર આપેલી 3 કરોડની મૂળ કિંમત સહિત 2 કરોડ વ્યાજ એમ કુલ 5 કરોડ રોકડા વસૂલી ઉપરાંત 50 કરોડ રૂપિયાની જમીન પટેલ પરિવાર પાસેથી લખાવી લીધા પછી પણ જીતેન્દ્ર આરદેશણા અને ધીરુ કુંગશીયા ધરાયા નથી, વધુ રૂપિયા તથા મિલકત માંગણી કરી રહ્યા છે. જીતેન્દ્ર આરદેશણા અને ધીરુ કુંગશીયા સહિતનાઓએ પટેલ પરિવારનું આર્થિક શોષણ કર્યા બાદ માનસિક – શારિરીક શોષણ કરી રહ્યા છે.
- Advertisement -
જીતેન્દ્ર અને ધીરુ ફોન પર ધાકધમકીઓ આપી પટેલ પર ત્રાસ વર્તાવી રહ્યા છે. વ્યાજખોર જીતેન્દ્ર અને ધીરુ ગીતાબેન અને શૈલેષભાઈને ફોન પર ધાક-ધમકીઓ આપી રહ્યા છે. અનૈતિક માંગણીઓ કરે છે એટલું જ નહીં, તેઓને આર્થિક રીતે બરબાદ કરી નાખ્યા બાદ શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યા છે. હાલ પટેલ પરિવાર જીતેન્દ્ર આરદેશણા અને ધીરુ કુંગશીયાના અજગર ભરડામાંથી છોડાવવા પોલીસ વિભાગના શરણે ગયું છે. હવે આ સમગ્ર મામલે પોલીસ જીતેન્દ્ર આરદેશણા અને ધીરુ કુંગશીયા પર કેવા પગલા લેશે એ જોવું રહ્યું.
પટેલ પરિવાર પાસે જીતેન્દ્ર – ધીરુના ધમકીઓ આપતા અને માંગણીઓ કરતા રેકોર્ડિંગ
રાજકોટના બી-ડિવિઝન પોલીસસ્ટેશનમાં વ્યાજખોરો જીતેન્દ્ર આરદેશણા અને ધીરુ કુંગશીયા સહિત અરુણા આરદેશણા, અર્જુન આરદેશણા, બ્રિદા આરદેશણા, બીના આરદેશણા, કિશોર આરદેશણા, મનસુખ કલોલા, એલ્વીન કલોલા, પ્રવીણચંદ્ર કોઠારી, તુલસી પાડલિયા, જયંતિલાલ પટેલ, માંડણ કુંગશીયા, મુકેશ વૈષ્ણવ, રામજી વૈષ્ણવ વિરુદ્ધ વ્યાજે લીધેલી રકમ પરત કરેલી હોવા છતાં જમીન પડાવી લેવા, ચેકના દુરુપયોગ કરવા તથા ધાક-ધમકી આપવાની ફરિયાદ ગીતાબેન શૈલેષભાઈ પટેલે નોંધાવી છે. આમ છતાં જીતેન્દ્ર અને ધીરુ પટેલ પરિવારને ફોન પર ધમકીઓ આપી રહ્યા છે અને માંગણીઓ કરી રહ્યા છે. જે ફોન કોલનું પટેલ પરિવાર પાસે રેકોર્ડિંગ પણ છે.