આણંદ કલેક્ટર કચેરીમાં સ્પાય કેમેરા મામલો
જે.ડી પટેલની લાંચખોરીનો વધુ એક પુરાવો આવ્યો સામે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આણંદ કલેક્ટર ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવવા મામલે પોલીસે અઉખ કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ અને હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં આ ત્રણેયના અનેક કારસ્તાન સામે આવી રહ્યા છે. પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ વચ્ચે જે.ડી પટેલ લઈને મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે જે.ડી પટેલના સમયમાં પૈસા આપનારની ફાઇલ પહેલા ક્લિયર થતી હતી.
આણંદ કલેક્ટર કચેરીના કાંડમાં દિવસેને દિવસે નવી વિગતો સામે આવી રહી છે. આ દરમિયાન હવે આરોપી જે.ડી.પટેલે અનેક કાંડ કર્યા હોવાનું સામે આવ્યું છે. ચિટનીશ જે.ડી. પટેલની લાંચખોરીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. જે.ડી પટેલ જે કોઈ અરજદાર પૈસા આપે તેની ફાઈલને વધારે પ્રાધાન્ય આપતો હતો. આમ તો ઓનલાઈન સિસ્ટમમાં ક્રમવાઈઝ ફાઈલો ક્લિયર કરવાની હોય છે. પરંતુ જે.ડી. પટેલ ફાઇલોનો ક્રમ તોડી પૈસા આપે તેની ફાઇલ ક્લિયર કરતો હતો. આ ઉપરાંત જો કોઈ પૈસા ન આપે તો ફાઇલોમાં બિનજરૂરી વાંધા કાઢી અરજદારોને હેરાન કરતો હતો.
જે.ડી પટેલની ધરપકડ થયા બાદ અને કૌભાંડો સામે આવતા જે.ડી પટેલના સમયે દફતરે થયેલ ફાઈલોની ક્વેરીઓની તાપસની પણ માંગ ઉઠી છે. તપાસ થાય તો અનેક છબરડા-કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. આ પહેલા આરોપી જે.ડીપટેલે એક ગ્રુપ બનાવ્યું હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે જે.ડી પટેલના ઈશારે બિનખેતી માટેના અભિપ્રાય આપવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું હતું. જેમાં સેટિંગ ન થાય તેવા અરજદારના નેગેટિવ અભિપ્રાય અપાતા હતા. ખુદ જે.ડી પટેલ નાયબ મામલતદાર પાસે નેટેટિવ અભિપ્રાય માંગતો હતો.
- Advertisement -
જોકે, જો સેટિંગ થઇ જાય તો અરજદારનો પોઝિટિવ અભિપ્રાય અપાતો હતો.
કેતકી વ્યાસ અને જે.ડી પટેલે રચ્યું હતું ષડયંત્ર
જે.ડી પટેલ નાયબ મામલતદાર તરીકે છેલ્લા 6 વર્ષથી ફરજ બજાવતા હતા. કલેક્ટર કચેરીમાં અઉખ કેતકી વ્યાસ નાયબ મામલતદાર જે.ડી પટેલ (જયેશ પટેલ)ની મિલીભગતથી બિન ખેતીની ફાઇલોમાં વ્યવહાર અંગે અરજદાર પાસે રૂપિયા વસૂલતા હતા. તેની જાણ કલેક્ટર ડી.એસ ગઢવીને થતા આરોપીઓએ કલેક્ટરને બ્લકમેલ કરવા માટે કારસો રચ્યો હતો.