ઝૂલતાપુલ દુર્ઘટનાનો આરોપીને ટઈંઙ સુવિધા, ગમે ત્યારે બહાર આવવા-જવાનો આક્ષેપ, પીડિતોની જેલ ટ્રાન્સફરની માગ
આરોપીના મળતિયાઓ દ્વારા સાક્ષીઓને ધમકી અપાતી હોવાનો આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
હાલ ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ ઝૂલતાપુલ દુર્ઘટના મામલે મોરબી જેલમાં બંધ છે, પરંતુ મૃતકોનાં પરિવારજનોએ જયસુખ પટેલને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવા માટે 8 ફેબ્રુઆરી, 2024ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડીજીપી વિકાસ સહાય અને અધિક પોલીસ મહાનિર્દેશક જેલને રજિસ્ટર્ડ એડીથી આ માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે 10 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 6 આરોપીને હાઈકોર્ટ જામીન આપી ચૂકી છે. ત્રણ આરોપીની જામીન અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. તો મુખ્ય આરોપી જયસુખ પટેલના જામીન હાઇકોર્ટે ફગાવી દીધા હતા.
જયસુખ પટેલની જેલ ટ્રાન્સફરની માગ કરતી અરજીમાં મૃતકોનાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે મુખ્ય આરોપી જયસુખ પટેલ રાજકીય વગનો ઉપયોગ કરી જેલ પરિસરમાંથી ગમે ત્યારે બહાર જવાની સુવિધા ભોગવે છે, તેથી તેની ટ્રાન્સફર વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરતની કોઈ મધ્યસ્થ જેલમાં કરવી તેમજ ત્રણ મહિનાના મોરબી જેલના સીસીટીવી ચેક કરવા માટે વિનંતી કરી છે. તેમને મોરબી સેશન્સ કોર્ટમાં પણ ઘણીવાર કાર્યવાહી માટે ખાનગી વાહનમાં લઈ આવવામાં આવે છે. સ્થાનિક પોલીસ અધિકારી અથવા જેલતંત્રના અધિકારીઓ પરોક્ષ રીતે મદદ કરી રહ્યા હોય અથવા વીઆઈપી સવલત પૂરી પાડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનાના પીડિતોએ પત્રમાં આગળ જણાવ્યુ છે કે મોરબી સેશન્સ કોર્ટમા પણ આ કેસની ધીમી ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ કેસના કોઈપણ આરોપીને છોડવામાં નહીં આવે એવું પીડિતોને આશ્ર્વાસન આપ્યું હતું. એ પણ વીસરાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે તેમજ આરોપીના મળતિયાઓ પીડિતોને આરોપી વિરુદ્ધ નિવેદન ના આપવા માટે જણાવી રહ્યા છે. તો સાહેદોને ધાકધમકી આપવામાં આવી રહી છે. જયસુખને ટઈંઙ સુવિધા પૂરી પાડવી એ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં નાનાં બાળકોની મજાક સમાન છે.