પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ માણાવદરમાંથી બેરોજગાર સહાયતા અભિયાનનો પ્રારંભ કર્યો
જૂનાગઢ જિલ્લા ભાજપના આંતરિક વિવાદ સપાટી પર
- Advertisement -
ચૂંટણી પહેલાં જવાહર ચાવડાનું મિશન બેરોજગાર: રાજકીય ગરમાવો શરૂ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢ લોકસભા બેઠકના પૂર્વ મંત્રી અને માણાવદરના ભૂતપૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ માણાવદરથી બેરોજગાર સહાયતા અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ માણાવદર, વંથલી અને મેંદરડા વિધાનસભા મતવિસ્તારના યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવાનો છે. જવાહર ચાવડાએ આ પહેલને યુવાનોમાં એક નવી આશાનો સંચાર કરનારી ગણાવી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ અભિયાન રોજગારી માટે મહત્વનું સાબિત થશે. આ અભિયાન અંતર્ગત, જવાહર ચાવડા આજે માણાવદરમાં બેરોજગાર યુવાનો અને તેમના વાલીઓને રૂબરૂ મળ્યા હતા. તેમણે જાતે જ તેમની વિગતો અને સમસ્યાઓ નોંધી હતી, જેથી બેરોજગારી દૂર કરવા માટે કઈ દિશામાં કામ કરી શકાય તેનો નક્કર માર્ગ મળી રહે. આ અભિયાન આજે માણાવદરમાં શરૂ થયું છે અને આવતીકાલે વંથલી તથા પરમ દિવસે મેંદરડામાં પણ ચલાવવામાં આવશે. આ પહેલને સ્થાનિક યુવાનોએ ખૂબ જ સકારાત્મક રીતે આવકારી છે.
વિરોધીઓને હસીને પ્રત્યુત્તર…
છેલ્લા કેટલાક સમયથી જવાહર ચાવડા અને ભાજપના સ્થાનિક નેતાઓ વચ્ચે આંતરિક મતભેદો હોવાના અહેવાલો માધ્યમોમાં પ્રસારિત થઈ રહ્યા છે. આ મુદ્દે જ્યારે તેમને પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો ત્યારે જવાહર ચાવડાએ હસીને પ્રત્યુત્તર આપ્યો હતો કે, “સમય આવ્યે તમામને જવાબ મળી જશે.” તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ તેમના અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને માત્ર માણાવદર વિધાનસભામાં જ નહીં, પરંતુ સમગ્ર જૂનાગઢ લોકસભા બેઠક પર આ જ પ્રકારે કામ થવા જઈ રહ્યું છે.
- Advertisement -
સરકારને સૂચનો મોકલાશે…
ચાવડાએ જણાવ્યું હતું કે, આ અભિયાન દરમિયાન તેઓ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ દ્વારા યુવાનોને કઈ રીતે રોજગારી આપી શકાય તે અંગેના સૂચનો પણ એકત્ર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં બેરોજગાર યુવાનો પાસેથી મળેલા આ સૂચનો રાજ્ય અને કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે, જેથી બેરોજગારીની સમસ્યાને કઈ રીતે દૂર કરી શકાય તે દિશામાં નક્કર પગલાં લઈ શકાય.
માણાવદર MLA લાડાણીએ પણ ગંભીર આક્ષેપ કર્યા
માણાવદર ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ જવાહર ચાવડા ઉપર ગંભીર આક્ષેપ કરતા જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. માણાવદર બેઠકના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આક્ષેપ કરતા કહ્યું કે, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા 50 કરોડનો ભ્રસ્ટાચાર માર્કેટિંગ યાર્ડમાં કર્યો છે તેવો આક્ષેપ કર્યો હતો. અને માણાવદરનો જીનિંગ ઉધોગ જવાહર ચાવડાના લીધે ભાંગી પડ્યો છે. ત્યારે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા અને ધારાસભ્ય અરવિંદ લાડાણી સોશિયલ મીડિયામાં લાઇવ થઈ અને ગંભીર આક્ષેપો જવાહર ચાવડા ઉપર કર્યા હતા.