આધુનિક ભારતની અર્વાચીન અજાયબી
કેરળ જાણીતું છે પોતાની સંસ્કૃતિ, સૌંદર્ય અને શાંતિ માટે. જો તમારે નદીઓ, દરિયો અને પહાડોની એક સાથે મજા માણવી હોય તો હરિયાળા કેરળ ફરવા જવું જોઈએ. નવેમ્બરથી ફેબ્રુઆરી કેરળ ફરવા-માણવાનો શ્રેષ્ઠ સમય છે. મેં પણ નવેમ્બર મહિનામાં ગોડ્સ ઓવન કંટ્રી તરીકે જાણીતા કેરળની મુલાકાત લીધી ત્યારે ઊંચા-ઊંચા પહાડો પર આવેલા ચા અને મસાલાના બગીચાઓ તેમજ રમણીય સમુદ્ર કિનારાઓ સાથે બેકવોટર એડવેન્ચર કરતા પણ વધુ મનમોહન લાગ્યું, કેરળના કોલ્લમ જિલ્લાના ચંદયામંગલમ ગામમાં એક પહાડ પર આવેલું જટાયુ અર્થ સેન્ટર – જટાયુ નેચર પાર્ક – જટાયુ રોક.
જટાયુ અર્થ સેન્ટરમાં પક્ષીરાજ જટાયુની વિશ્વની સૌથી મોટી પક્ષી પ્રતિમા આવેલી છે. 65 એકરમાં ફેલાયેલી આ જગ્યા પર બનાવવામાં આવેલી જટાયુની પ્રતિમા 200 ફૂટ લાંબી, 150 ફૂટ પહોળી અને 70 ફૂટ ઊંચી છે. જટાયુ અર્થ સેન્ટર જમીનથી 400 ફૂટની ઉંચાઈએ બનાવામાં આવ્યું છે, જેના નિર્માણમાં અંદાજે સાત વર્ષ અને 100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું કહેવાય છે. જટાયુ અર્થ સેન્ટરમાં રહેલી આ પ્રતિમા ડિઝાઈનર અને ફિલ્મ ડાયરેક્ટર રાજીવ આંચલ દ્વારા બનાવામાં આવી છે. અહીં જટાયુ સ્કલ્પચરની સાથે 6ડી થિયેટર અને ડિઝિટલ મ્યૂઝિયમ સાથે બાળકોથી લઈ મોટાઓ માટે ગેમઝોન અને એડવેન્ચર એક્ટિવિટી આકર્ષણનું કેન્દ્રબિંદુ છે.
આ એજ સ્થળ છે જ્યાં રાવણ સાથેના યુદ્ધ દરમિયાન જટાયુની પાંખ કપાઈને પડી હતી, તેથી આ સ્થળને જટાયુપુર પણ કહેવાય છે.
આ સ્થળ પર જટાયુએ ભગવાન શ્રીરામને સીતા માતાના અપહરણ અંગેની માહિતી આપ્યા બાદ પોતાના પ્રાણ ત્યજ્યા હતા. અહીં જટાયુએ સીતા માતાના સન્માન અને રક્ષણ માટે રાવણ સાથેના યુદ્ધમાં વીર ગતિ પામી અંતિમ શ્વાસ લીધા હોવાથી જટાયુ અર્થ સેન્ટરની રચના કરવામા આવી છે. આ ઉપરાંત અહીં જ જટાયુ અને ભગવાન શ્રી રામની મુલાકાત થઈ હોવાથી અહીં ભગવાન શ્રી રામના ચરણ ચિન્હ જોવા મળે છે તો તેમનું નાનકડું મંદિર પણ આ સ્થળે બનાવવામાં આવ્યું છે.
સ્ત્રી સન્માન અને રક્ષણના પ્રતિકરૂપે નિર્માણ પામેલું જટાયુ અર્થ સેન્ટર ઊંચાઈ પર આવેલું છે, એટલે અહીં પહોંચવા પગથિયાં અને કેબલકાર બંનેની સુવિધા ઉપલબ્ધ છે. જો તમારે આઠસો જેટલા પગથિયાં ચઢવા ન હોય તો દક્ષિણ ભારતની પ્રથમ અત્યાધુનિક કેબલ કાર જટાયુ અર્થ સેન્ટરમાં છે. રોપવેમાં બેસીને આશરે 1000 ફૂટની ચઢાઈ પર જટાયુનું સ્કલ્પચર જોવા જવું એક રોમાંચક અનુભવ છે. અહીંથી મંત્રમુગ્ધ કરી દે તેવો અદભુત નજારો જોવા મળે છે.
જો તમારે પણ ક્યારેક કેરળની મુલાકાત લેવાની થાય તો મુન્નાર – ઠેક્કડી ફરી લીધા બાદ તિરૂવનંતપુરમ જવાના રસ્તા પર આવતા જટાયુ અર્થ સેન્ટર જોવા અવશ્ય જજો. કેરળના તિરૂવનંતપુરમથી 50 કિલોમીટર દૂર આવેલા જટાયુ અર્થ સેન્ટરની ટિકિટ 555 રૂપિયા છે, અહીંની મુલાકાત લેવા અંદાજીત બે કલાકનો સમય જોઈએ છે. જો તમે અહીં જશો તો એ મુલાકાત તમારા જીવનની યાદગાર ક્ષણો બની રહેશે. મારા અનુભવ મુજબ કેરળના મસ્ટ વિઝિટ ટુરિસ્ટ પ્લેસમાનું એક બની ગયેલા જટાયુ અર્થ સેન્ટર – જટાયુ નેચર પાર્ક – જટાયુ રોકની વિઝિટ વિના ગોડ્સ ઑન કંટ્રીની ટ્રીપ અધૂરી ગણાય.



