-યુરોપીયન યુનિયનની એજન્સીની ઘોષણા: કલાયમેટ ચેન્જ વિશે વૈજ્ઞાનિકો હવે સૌથી વધુ ચિંતિત
-જાન્યુઆરીનું તાપમાન 1.66 ડીગ્રી વધુ: 2023નું વર્ષ પણ અત્યાર સુધીનું સૌથી વધુ ગરમ
- Advertisement -
ભારતમાં ઉતરીય રાજ્યોને બાદ કરતાં મોટાભાગના શિયાળો પ્રમાણમાં ‘હળવો’ રહયો હતો. ત્યારે માત્ર ભારત જ નહીં સમગ્ર દુનિયામાં જાન્યુઆરી મહિનો અત્યાર સુધીનો સૌથી ગરમ રહ્યાનું યુરોપીયન યુનિયનની એજન્સી કોપરનિક્સ કલાયમેટ ચેન્જ સર્વિસે જાહેર કર્યું છે. કલાયમેટ ચેન્જની અસર હેઠળ એક તરફ કેલીફોર્નિયામાં માત્ર 48 કલાકમાં 8 ટ્રીલીયન ગેલન પાણી વરસી ગયું હતું. તો પૃથ્વીના બીજા છેડે અસામાન્ય ગરમી હતી અને તેનાથી વૈજ્ઞાનિકો સૌથી વધુ ચિંતિત છે.
અલનીનો જેવી વેધર પેટર્નની અસર તથા માનવ સર્જીત કલાયમેટ ચેન્જને કારણે તાપમાન સતત વધી રહ્યું છે અને હવે જાન્યુઆરી 2020માં સૌથી વધુ ગરમીનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. જાન્યુઆરી મહિનો વિશ્વસ્તરે અત્યાર સુધીનો સૌથી ગરમ રહ્યો છે. જે ગ્લોબલ વોર્મિંગની એકધારી ગતિ ચાલુ હોવાનું સુુચવે છે. વિશ્વમાં 1850થી હવામાન રેકર્ડ (નોંધવામાં) કરવામાં આવી રહ્યું છે. ત્યારથી અત્યાર સુધી અર્થાત 174 વર્ષનો સૌથી ગરમ મહિનો બન્યો છે.
રીપોર્ટમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે પેસીફીક સમુદ્રની સપાટીને ગરમ કરતી અલ-નીનો સિસ્ટમને કારણે તાપમાનમાં વધુ વધારો થયો છે. ચિંતાજનક બાબત એ છે કે ગત વર્ષના જુન મહિનાથી દરેક મહિનાના સરેરાશ તાપમાન આગલા વર્ષની સરખામણીએ ઉંચા નોંદાયા છે. જાન્યુઆરી સળંગ આઠમો મહિનો હતો જેમાં તાપમાન ગત વર્ષની સરખામણીએ વધુ હતું.
- Advertisement -
એજન્સીના ડેપ્યુટી ડાયરેક્ટર સામંથા બર્ગેસે જણાવ્યું હતું કે જાન્યુઆરી મહિનો અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી ગરમ રહ્યો જ હતો. ઉપરાંત ઔદ્યોગિકરણ અગાઉની સરખામણીએ સળંગ 12 મહિના સુધી સરેરાશ 1.50 ડીગ્રીથી વધુ તાપમાન અનુભવાયું છે. વૈશ્વિક તાપમાનને વધુ રોકવા માટે ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં ઝડપી ઘટાડો જ એક માત્ર ઉપાય છે. 1850 થી 1900ના ઔદ્યોગિકરણ પૂર્વેના વર્ષોના જાન્યુઆરીના તાપમાન કરતા ગત જાન્યુઆરીનું તાપમાન 1.66 ડીગ્રી વધુ રહ્યું હતું.
2024ના વર્ષનું સરેરાશ તાપમાન ગત વર્ષના ઉષ્ણતમાન કરતાં પણ વધી જવાની શક્યતા 33 ટકા હોવાની અમેરિકી વૈજ્ઞાનિકની આગાહીને ધ્યાને લેતા ગ્લોબલ વોર્મિંગ રોકવાના ઉપાયો તત્કાળ કરવાની આવશ્યકતા છે. 2024નું તાપમાન સૌથી ઉંચા ટોપ-ફાઇવ ગરમ વર્ષમાં સ્થાન પામે તેવી 99 ટકા શક્યતા હોવાનું પણ આગાહીમાં જણાવાયું છે. અલ-નીનો સિસ્ટમ નબળી પડી રહ્યાના સંકેત ઉઠયા હોવા છતાં જાન્યુઆરીમાં વૈશ્વિક દરિયાઇ તાપમાન અત્યાર સુધીના રેકોર્ડ સ્તરે હતું.
2015માં પેરિસ સમજુતી અંતર્ગત વૈશ્વિક તાપમાનને 1.50 ડીગ્રીથી વધુ વધતું રોકવા માટેનો લક્ષ્યાંક બાંધવામાં આવ્યો હતો પરંતુ તાપમાનમાં સતત વધારાથી આ લક્ષ્યાંક સામે સવાલ ઉઠવા લાગ્યા છે. વિશ્વમાં છેલ્લા 12 મહિના દરમ્યાન તાપમાનમાં 1.50 ડીગ્રીથી વધુનો વધારો થઇ જ ગયો છે. જો કે પેરિસ સમજુતી હેઠળ લાંબાગાળાનો ટારગેટ હજુ પાર થયો નથી. આ ટારગેટમાં દાયકાઓ સુધી સરેરાશ તાપમાન ગણવામાં આવ્યું છે.