11થી 15 ઓગસ્ટ દરમિયાન શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી થશે
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
- Advertisement -
ભાવનગર જિલ્લાના પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં આવનાર મહિનામાં પરંપરાગત રીતે જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવાશે. 11થી 15 ઓગસ્ટ દરમિયાન યોજાનાર આ મહોત્સવના ભાગરૂપે શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌસેવા સમિતિ પાલિતાણા દ્વારા રંગીન શોભાયાત્રા તથા વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પાલિતાણા ખાતે સૌરાષ્ટ્રની બીજી સૌથી વિશાળ શોભાયાત્રા યોજાશે. શહેરના મુખ્ય માર્ગો અને ચોકચોરાહાઓ આશોપાલવના તોરણો, ધજાપતાકાઓ, દીવતો, એલઈડી લાઈટસ અને ભગવાનના વિશાળ કટઆઉટથી શણગારવામાં આવશે.આ અંગે 13 જુલાઈના રોજ રામવાડી ખાતે યોજાયેલી બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, સાધુ-સંતો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કાર્યક્રમ પત્રિકા વિમોચન કરવામાં આવી હતી અને ગૌસેવા સમિતિના કાર્યકરો દ્વારા પુષ્પગુચ્છ આપી ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
બેઠકમાં કલ્પેશભાઈ પરમાર દ્વારા સમગ્ર કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. પાલિતાણાના લોકોમાં જન્માષ્ટમી મહોત્સવ અંગે પહેલેથી જ ઉલ્લાસપૂર્ણ માહોલ સર્જાયો છે અને સમગ્ર પંથકના ભાવિકો ઉત્સાહભેર આ પાવન પર્વની ઉજવણી માટે આતુર છે.