પાર્કિંગ ખુલ્લું કરી તેના ફોટોગ્રાફ્સ અને લેખિત જાણકારી આપવાના આદેશની અવગણના : શું હવે તંત્ર દબાણ દૂર કરશે
4 દિવસમાં રેલિંગ હટાવી પાર્કિંગ ખુલ્લું કરવાનો આદેશ છતા સ્થિતિ યથાવત્
- Advertisement -
અગાઉ સફલ-2 કોમર્શીયલ કોમ્પ્લેક્ષ એસોસીએશન દ્વારા મ્યુ. કમિશનરને ફરિયાદ કરાઇ હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના રામકૃષ્ણનગર મેઈન રોડ પર આવેલ જાની લોચો ખમણ હાઉસને પાર્કિંગની જગ્યા અવરોધિત કરવાના મામલે રાજકોટ મહાનગરપાલિકાએ નોટિસ પાઠવવામાં આવી હતી. મંજુર પ્લાન મુજબની પાર્કિંગ જગ્યા પર રેલીંગ ઉભી કરી જગ્યા બંધ કરવામાં આવતા આવતા-જતા લોકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ટાઉન પ્લાનર (સેન્ટ્રલ ઝોન) દ્વારા આપવામાં આવેલી નોટિસ મુજબ દુકાનના માલિક/કબ્જેદારને ચાર દિવસની અંદર રેલીંગનું દબાણ દૂર કરી પાર્કિંગની જગ્યા ફરી ખુલ્લી કરવાની નોટિસ આપવામાં આવી હતી. સાથે જ કાર્યવાહી પૂર્ણ થયાની લેખિત જાણકારી ફોટોગ્રાફ્સ સહીત આપવા જણાવાયું હતું. પરંતુ ‘જાની લોચો ખમણ હાઉસ’ના સંચાલક દ્વારા હજુ પણ રેલિંગ દૂર કરવામાં આવી નથી. ત્યારે આ નિર્ધારિત સમયમર્યાદામાં દબાણ દૂર ન કરતા હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જીપીએમસી એક્ટ મુજબ કાયદેસર દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું. ઉલ્લેખનીય છે કે રાસફલ-2 કોમર્શીયલ કોમ્પ્લેક્ષના પાર્કિંગ વિસ્તારમાં ગેરકાયદે દબાણ અને ખાણીપીણીના અડ્ડા ઉભા થતાં રોજિંદી અવરજવર અને વ્યવસાય પર ગંભીર અસર પડી રહી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મુદ્દે સફલ-2 કોમર્શીયલ કોમ્પ્લેક્ષ એસોસીએશને રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને લેખિત અરજી કરી દબાણ દૂર કરવાની તાત્કાલિક માંગ કરી હતી. કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં જ ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા ખુરશી-ટેબલ મૂકીને અડ્ડો જમાવવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ‘જાની લોચો’ અને ‘ખમણ હાઉસ’ જેવા દુકાનદારો દ્વારા પાર્કિંગની જગ્યામાં કબજો જમાવતા વાહન પાર્ક કરવાની જગ્યા રહેતી ન હોવાનું જણાવ્યુ હતુ. જેના પરિણામે કોમ્પ્લેક્ષમાં આવતા વેપારીઓ, કર્મચારીઓ અને ગ્રાહકોને રોડ પર વાહન પાર્ક કરવા મજબૂર થવું પડે છે, જેનાથી ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ રહી છે. આ ઉપરાંત આ દબાણના કારણે નજીકની હોસ્પિટલમાં ઈમરજન્સી દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં પણ ગંભીર અડચણો સર્જાઈ રહી હોવાનું એસોસીએશને જણાવ્યું હતું. અંતમાં એસોસીએશને માંગ કરી હતી કે પાર્કિંગ વિસ્તારમાંથી તાત્કાલિક દબાણ દૂર કરવામાં આવે.
આ રજૂઆતના અનુસંધાને મનપા દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી અને દબાણ દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે શું હવે તંત્ર દબાણ દૂર કરશે? કે દબાણ યથાવત રહેશે. તેવી લોકોમાં ચર્ચા ઉઠી છે.



