ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વમાં ઘેલા સોમનાથથી શરૂ થયેલી જનકલ્યાણ શિવવંદના પદયાત્રા ગત સાંજે જૂનાગઢ ખાતે પહોંચી હતી. આ યાત્રા અહીં પહોંચતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિતના મહાનુભાવો અને પદયાત્રીકોનું પુષ્પવર્ષા સાથે સ્વાગત- અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પૂર્વે જનકલ્યાણ શિવવંદના પદયાત્રા જૂનાગઢના ગાંધી ચોક ખાતે પહોંચતા કેબિનેટ મંત્રીએ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક વંદન કર્યા હતા. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને ઇન્ચાર્જ કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ. જાડેજા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓએ પણ પુષ્પગુચ્છ અને સ્મૃતિચિન્હ અર્પણ કરી આવકાર્યા હતા. આ પદયાત્રાના રૂટમાં કેબિનેટ મંત્રીને જૂનાગઢમાં જીઆઇડીસીના ગેઇટ પાસે પણ સીંગદાણા એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ દુધાત્રા, મહામંત્રી કનુમભાઈ ગજેરા, જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ચોવટીયા, ભરતભાઈ શિરોયા સહિતના અગ્રણી ઉદ્યોગકારોએ ભાવભેર સ્વાગત કરી આવકાર આપ્યો હતો.



