જામનગરના શખ્સે એક ખેપના દસ હજાર આપ્યા હતા : મુંબઈથી લાવ્યાની કબૂલાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ રેલવે સ્ટેશન પરથી અમદાવાદ રેલવે પોલીસની એસઓજીએ 18.89 લાખના એમડી ડ્રગ્સ સાથે જામનગરમાં ગોલ્ડન સિટીની બાજુમાં આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી યાસ્મીન અનવરભાઈ સેતા ઉ.40 અને એક સગીરને ઝડપી લીધા હતાં. ઝડપાયેલી યાસ્મીન મુંબઇથી ટ્રેનમાં આ ડ્રગ્સ લઇ આવી રહી હતી.
અમદાવાદ એસઓજી પીઆઇ સિંગરખિયા અને ટીમે ચોક્કસ બાતમીના આધારે રાજકોટ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 1 પર મુંબઈથી આવેલી દુરુંતો એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલી યાસ્મીનને અટકાવી તપાસ કરતાં તેની પાસે રહેલા ધાબળામાંથી 198.9 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. જેથી યાસ્મીન અને તેની સાથે રહેલા સગીરની અટકાયત કરી હતી. બંને સામે રેલવે પોલીસમાં એનડીપીએસ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો એસઓજીની પ્રાથમિક પૂછપરછમાં યાસ્મીને એવી કેફિયત આપી છે કે તેને હાલમાં પૈસાની જરૂર હતી. જામનગરમાં રહેતા અઝરૂએ તેને મુંબઇથી ડ્રગ્સનું પાર્સલ લઇ આવવાનું કહ્યું હતું. બદલામાં રૂા. 10 હજાર આપવાનું નક્કી કર્યું હતું. પોલીસને શંકા ન જાય તે માટે સગીરને સાથે લઇ મુંબઇ પહોંચી હતી.
મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ખાતે અઝરૂના કહેવા મુજબ કોલ કરતાં નિઝામ નામનો શખ્સ આવ્યો હતો અને તેને ડ્રગ્સનું પાર્સલ આપી ગયો હતો. જે લઈ દુરુતો એક્સપ્રેસમાં રાજકોટ આવી હતી નિયમ મુજબ એસઓજીએ રાજકોટ રેલવે પોલીસને તપાસ સોંપી દેતાં તેના સ્ટાફે યાસ્મીનને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર મેળવી તપાસ આગળ ધપાવી છે.