કેન્દ્રિય જળશક્તિ મંત્રાલયના મંત્રી સી.આર.પાટીલની હાજરીમાં દિલીપ સખીયાએ સ્વીકાર્યા એવોર્ડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ગત રાત્રે અભૂતપૂર્વ અને ઐતિહાસિક ક્ષણો જોવા મળી હતી. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ડો. કુમાર વિશ્ર્વાસની ‘જલકથા: અપને અપને શ્યામ કી’ને વિશ્ર્વની પ્રતિષ્ઠિત એજન્સીઓ દ્વારા સત્તાવાર રીતે વિશ્ર્વની પ્રથમ અને સૌથી મોટી વૈશ્ર્વિક જલકથા જાહેર કરવામાં આવી હતી.
16 ડિસેમ્બરના રોજ રાત્રે જલકથા દરમિયાન જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ સહિતની સંસ્થાઓના અધિકારીઓ દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટને આ સિદ્ધિ બદલ વર્લ્ડ રેકોર્ડના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મંગળવારે રાત્રે 8થી 10 દરમિયાન રેસકોર્સ ખાતે ઉપસ્થિત વિશાળ જનમેદની આ ઐતિહાસિક રેકોર્ડની સાક્ષી બની હતી. જળ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિના આ સંદેશને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ, એશિયા સ્પેસિફિક બુક ઓફ રેકોર્ડ્સ અને લિમ્બા બુક ઓફ રેકોર્ડ્સ જેવી કુલ 7થી વધુ આંતરરાષ્ટ્રીય રેકોર્ડ એજન્સીઓએ ‘જળ સંરક્ષણ માટેનો સૌથી મોટો આધ્યાત્મિક- સાંસ્કૃતિક મેળાવડો’ તરીકે માન્યતા આપી હતી. ઈન્ટરનેશનલ ઈવેન્ટ એસોસિએશનના પ્રતિનિધિઓ અને વિવિધ રેકોર્ડ એજન્સીઓના નિરીક્ષકોએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ, માપદંડોની ખરાઈ કર્યા બાદ મંચ પરથી કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાને ગોલ્ડન સર્ટિફિકેટ્સ અર્પણ કર્યા હતા. આ સમયે સમગ્ર ગ્રાઉન્ડ ‘જલ શ્રીકૃષ્ણ’ના હર્ષનાદથી ગુંજી ઉઠ્યું હતું. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ આ અંગે પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે આ સર્ટિફિકેટ માત્ર કાગળ નથી, પરંતુ જળ બચાવવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે જનસમુદાયે લીધેલા સંકલ્પની વૈશ્ર્વિક સ્વીકૃતિ છે. આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી. આર. પાટીલે ઉપસ્થિત હજારો શ્રોતાઓને જળસંચયની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ આયોજન દ્વારા આજે સાબિત થયું હતું કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો આ પ્રયાસ હવે વિશ્ર્વભરના પર્યાવરણપ્રેમીઓ માટે એક મોડેલ સમાન બનશે.
ધર્મને એટલે સુરક્ષિત રાખો, જેથી ધર્મ આપણને સુરક્ષિત રાખે: ડૉ. કુમાર વિશ્ર્વાસ
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘જલકથા: અપને અપને શ્યામ કી’ના બીજા દિવસે રેસકોર્સ સ્થિત કવિ રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટરમાં હજારો લોકોની ઉપસ્થિતિ વચ્ચે દિવ્ય વાતાવરણમાં કવિ ડો. કુમાર વિશ્ર્વાસ ખૂબ ખીલ્યા હતા. ધર્મને સુરક્ષિત રાખો કે જેથી ધર્મ આપને સુરક્ષિત રાખે તેમ જણાવી ડો. વિશ્ર્વાસે સાંપ્રત સમયમાં સનાતન ધર્મ વિશે યુવાનોમાં જાગૃતતા લાવવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો હતો. રાધા, મીરા અને રૂક્ષ્મણીના કૃષ્ણ પ્રત્યેના સમર્પણ અને પ્રેમભાવને ખૂબ જ ભાવવાહી શૈલીમાં પ્રસ્તુત કરાતા ઉપસ્થિત શ્રોતાઓ ભાવવિભોર બની ગયા હતા. મંગળવારની રાત્રે ડો. કુમાર વિશ્ર્વાસની કથા દરમિયાન ગવાતા ભજનોના શબ્દો અને સંગીત પર વડીલો- માતાઓ કૃષ્ણ ભક્તિની અસ્ખલિત ભાવનામાં વહી નૃત્ય કરતા કૃષ્ણમય બની ગયા હતા. ‘જલકથા: અપને અપને શ્યામ કી’માં કૃષ્ણ પ્રેમની ‘વિશ્ર્વાસ’ વાણી વહી હતી. ડો. કુમાર વિશ્ર્વાસની કૃષ્ણ પ્રેમ કથા દરમિયાન તેઓએ ઉત્સવપ્રિય ગુજરાતીઓના પણ ભરપૂર વખાણ કરીને ગુજરાતના દાનેશ્ર્વરીઓની પ્રશંસા કરી હતી. સાથે જ ગુજરાતમાં થતાં ભવ્ય લગ્ન સમારોહની પણ રોચક વાતો કરી હતી. તા. 17 ને બુધવારે જલકથાના અંતિમ દિવસે જલપ્રેમી, કૃષ્ણપ્રેમી શ્રદ્ધાળુઓને રેસકોર્સમાં ઉમટી પડવા ડો. કુમાર વિશ્ર્વાસે આહ્વાન કર્યું છે.
- Advertisement -
જળસંચય કાર્યક્રમોમાં ભાગીદારી માટે પારુલ યુનિવર્સિટી, ગારડી કોલેજ અને ધર્મેન્દ્રસિંહજી કોલેજના MoU
કેન્દ્રીય જલ સંસાધન મંત્રી સી. આર. પાટીલે જલકથામાં ઉપસ્થિત હજારો લોકોને ‘જલ બચાવ સંકલ્પ’ લેવડાવ્યો હતો અને જણાવ્યું હતું કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના દિલીપભાઈ સખીયાએ જળસંચય માટેનું બીડું ઉપાડ્યું છે. રાજકોટવાસીઓ પણ આ સંકલ્પને પરિપૂર્ણ કરવા પડાપડી કરી રહ્યા છે. કર્મભૂમિથી માતૃભૂમિ માટે કામ કરતાં રહેવું જોઈએ. આજે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રયાસોથી અસંખ્ય લોકો જળસંચય અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. પાટીલે દાનવીરો, સખાવતી સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓની પ્રશંસા કરીને જળસંચયના આ કાર્યમાં તેઓની ભાગીદારીને બિરદાવી હતી. વધુમાં પાટીલે જળસંચય અભિયાનમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની ભૂમિકા ને વ્યાપક ભાગીદારીને સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે ગીરગંગાના જળસંચય અભિયાનથી પ્રભાવિત થઈને રાજ્ય સરકાર પણ ગીરગંગા પરિવાર ટ્રસ્ટને સાધન સહાય આપવા માટે તત્પર રહી છે. પાટીલે શહેરીજનોને વરસાદી પાણી જમીનમાં ઉતારવા બોર રિચાર્જ સિસ્ટમ અપનાવવાની અને ગ્રામીણ વિસ્તારોમાં સીમની જમીનમાં પાણી ઉતારવાની સલાહ આપી તેનું મહાત્મ્ય સમજાવ્યું હતું અને ગીરગંગાને મળેલા વર્લ્ડ રેકોર્ડના સન્માનને દેશનું સન્માન ગણાવી રેકોર્ડ એજન્સીના હસ્તે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ વતી સર્ટિફિકેટ પણ સ્વીકાર્યુ હતું. ઉલ્લેખનીય છે કે વડોદરાની પારુલ યુનિવર્સિટી, રાજકોટની કાલાવડ રોડ પર આણંદપર પાસે આવેલ ગાર્ડી કોલેજ અને રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે જળસંચય કાર્યક્રમોમાં ભાગીદારી માટે અને જળસંચય ક્ષેત્રે જાગૃતિ માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. સી. આર. પાટીલના હસ્તે આ એમ.ઓ.યુ.ના હસ્તાંતરિત કરાયા હતા.



