તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે સોસાયટીની ઓફિસ ખોલી ઓડિટ કામગીરી કરી
નાની આવક ધરાવતા પરિવારોના સ્વપ્નમાં ભંગાણ
સોસાયટીના સંચાલક દાવડાભાઈના નિષ્ઠુર કૃત્યને પગલે લોકોમાં આક્રોશ
ભવિષ્યમાં બચત કરતી વખતે સાવચેત રહેવા તંત્રની સલાહ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં આવેલ શાકમાર્કેટ નજીક જલારામ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટીની ઓફિસ આવેલ છે. સોસાયટીનો સંચાલક કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી રફુચક્કર થઈ ગયો હોવાની ચર્ચા જાગો છે.આ ઘટના બાદ પોલીસ પ્રોટેક્શન સાથે સોસાયટી ની ઓફીસ ખોલી ઓડીટની કામગીરી હાથ ધરાઈ હતી. પોરબંદર શહેરમાં અનેક સોસાયટીની ઓફિસો આવેલ છે. આ સોસાયટી દ્વારા બચત સહિતની ફિક્સ ડિપોઝીટ સહિતની વિવિધ સ્કીમમાં લોકો રોકાણ કરતા હોય છે.શહેરના પોષ વિસ્તાર ગણાતા વાડી પ્લોટ શાકમાર્કેટના બિલ્ડીંગમાં જલારામ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટી આવેલી છે. આ સોસાયટીની ઓફિસનું સંચાલન દાવડાભાઈ નામનો શખ્સ કરતો હતો આ સોસાયટી માં અનેક નાના પરિવારો દ્વારા બચત માટે રકમ ભરી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સોસાયટીનો સંચાલક અહી આવતો ન હતો અને હાલ લગભગ એકાદ માસથી આ સોસાયટી ની ઓફીસ પણ બંધ હાલત માં હતી ત્યારે આ અંગે કો ઓપરેટીવ સોસાયટી રજીસ્ટર ઓફીસ જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ નવા પ્રમુખ સહીત રોકાણકારો ની હાજરી માં પોલીસ પ્રોટેક્શન વચ્ચે આ ઓફીસ નું તાળું તોડી અને ઓડીટ માટેની કામગીરી હાથ ધરાઈ હતી આ સોસાયટીના સંચાલકે અંદાજે 15 કરોડ જેવી રકમનું ફુલેકુ ફેરવી રફુચક્કર થયો હોવાની પણ ચર્ચાઓ શહેરભરમાં ચાલી રહી છે.