બ્રિજ રીપેરીંગ કરવામાં ઓરેવા કંપનીએ ગંભીર બેદરકારી દાખવી: ચાર્જશીટમાં આરોપ: નવ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, આરોપીઓને અદાલતે સરકારી વકીલ આપ્યા
તમામને ચાર્જશીટની નકલ અપાઈ, આવતીકાલે વધુ સુનાવણી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કર્યા બાદ ગઈકાલે સોમવારે આ ચાર્જશીટ ફ્રેમ કરવા આરોપીઓને કોર્ટમાં હાજર કર્યા હતા અને તમામ આરોપીઓને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ તેમના તરફનાં કોઈ વકીલ ન હોવાથી કોર્ટે લીગલ સેલમાંથી વકીલ ઉપલબ્ધ કરવા સૂચના આપતા આરોપીઓને સરકારી વકીલ ફાળવાયા હતા અને તેમની હાજરીમાં તમામ આરોપીઓને કોર્ટે ચાર્જશીટની કોપી સોંપી હતી. આ ઉપરાંત સરકારી વકીલે સીઆરપીસી 164 અંતર્ગત લેવાયેલા નિવેદનની કોપીની માંગ કરી હતી જો કે તે કોપી હાલ મળી ન હોવાથી કેસની મુદત 1 ફેબ્રુઆરી પર ગઈ હતી અને હવે 1 ફેબ્રુઆરીએ ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસની ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલના પાપનો પર્દાફાશ થયો છે. પોલીસ ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર, 15 વર્ષના માટે મેનેજમેન્ટ, મેન્ટેનન્સ, સિક્યુરિટી, ટિકીટ તથા તમામ એડમિનિસ્ટ્રેશન કામ કરવા ઓરેવા ગ્રુપ દ્વારા કરાર મેળવવામાં આવ્યો હતો તેમજ બ્રિજ રિપેરીંગ કરવામાં ઓરેવા કંપનીએ ગંભીર બેદરકારી દાખવી હોવાનો ચાર્જશીટમાં આરોપ લગાવવામાં આવ્યો છે. ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે, ઝૂલતા પુલના 49 માંથી 22 તાર કટાઈ ગયા હતા. ટેકનિકલ સંસ્થા પાસેથી પુલની સ્ટ્રેન્થનું સ્ટેબિલિટી સર્ટીફિકેટ ન મેળવ્યાનો પણ જયસુખ પટેલ પર આરોપ લગાવવામાં આવ્યો છે. તે સિવાય પુલ રિપેરીંગ કર્યા સિવાય નિયમોનો ભંગ કરી 8 થી 12 મહિનાના સ્થાને છ મહિનામાં જ પુલ ફરી શરૂ કરી દેવાયો હતો.
ચાર્જશીટમાં જયસુખ પટેલ ભાગેડુ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2008 માં નવ વર્ષ માટે 300 રૂપિયાના જ્યુડી પેપર પર કરાર કરવામાં આવ્યા હતા.
ઓરેવા કંપનીએ પોતાના અંગત લાભ માટે ઝૂલતા પુલને વહેલો ખુલ્લો મૂકી દીધો !
આ ઉપરાંત ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે, અકસ્માત સમયે 400 થી વધુ લોકોને પુલ પર જવા દેવાયા હતા તેમજ ટેકનિકલ માણસોની જગ્યાએ ફ્રેબિકેશનનાં જાણકાર માણસોને આ પુલના રિપેરીંગનું કામ આપી દીધું હતું તો ઓરેવા કંપનીએ પોતાના અંગત લાભ માટે ઝૂલતા પુલને વહેલો ખુલ્લો મૂકી દીધો હતો જ્યારે અકસ્માત બાદ ઓરેવા ગ્રુપે બચાવ કામગીરી સહિતના કામોમાં પણ સહકાર ન આપ્યો હોવાનો પોલીસ ચાર્જશીટમાં ખુલાસો થયો છે.