પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પવિત્ર લગ્ન : અસરદાર સંદેશ સાથે જય શાહે સમાજને નવી દિશા આપી
ચોટીલાના જય શાહે ધાર્મિક આસ્થા, સાદગી અને સેવાભાવે લગ્નને બનાવ્યો પ્રેરણાત્મક પ્રસંગ
- Advertisement -
વડાપ્રધાને કરેલા આહ્વાન જ્યારે ઇશ્ર્વર જ જોડી બનાવે છે તો લગ્ન તેની પવિત્ર ભૂમિ પર કેમ ન ઉજવાય? ને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
ચોટીલાના જય શાહ અને ડો. રચનાના લગ્ન પ્રસંગે સમાજ સામે એક અનોખું અને પ્રેરણાદાયક ઉદાહરણ મૂકી દીધું છે. ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના મંત્રી જય શાહે પોતાના જીવનના આ શ્રેષ્ઠ પળોને ભવ્ય હોટેલ, રિસોર્ટ અથવા પાર્ટી પ્લોટમાં નહીં પરંતુ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ પવિત્ર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉજવવાનું નક્કી કર્યું. વડાપ્રધાન દ્વારા કરાયેલા આહ્વાન જ્યારે ઇશ્વર જ જોડી બનાવે છે તો લગ્ન તેની પવિત્ર ભૂમિ પર કેમ ન ઉજવાય? ને ચરિતાર્થ કરતા આ પહેલ સમાજને નવી વિચારધારા આપે છે. 25 નવેમ્બર, મંગળવારે ટ્રસ્ટના સાગર દર્શન પ્રાંગણમાં સંપન્ન થયેલા આ લગ્નમાં માત્ર પરિવાર અને સીમિત મહેમાનો હાજર રહ્યા. આજકાલ જ્યાં ડેસ્ટિનેશન મેરેજ નામે લાખો-કરોડોની બેફામ ખર્ચાળ ઉજવણીઓનો ટ્રેન્ડ ચાલે છે, ત્યાં જય-રચનાનો આ સાદગીપૂર્ણ અને ધાર્મિક લગ્ન પ્રસંગ સમાજ માટે માર્ગદર્શનરૂપ બન્યો છે.
આર્થિક રીતે સક્ષમ હોવા છતાં, વર અને વધૂએ આ લગ્ન પ્રસંગને ફક્ત વ્યક્તિગત ઉજવણી નહીં પરંતુ ‘સેવા દિવસ’ તરીકે મનાવ્યો. ભવ્ય ભોજન સમારંભને બદલે ચોટીલા ખાતે ગૌરીબેન વૃદ્ધાશ્રમમાં વડીલો માટે મિષ્ઠાન ભોજનનું આયોજન કરી શાલ ઓઢાડી આશીર્વાદ લેવામાં આવ્યા. ઝૂંપડપટ્ટીના બાળકો માટે ભોજન સેવા અને પાંજરાપોળમાં ગૌસેવા રૂપે લીલો ચારો તથા ગોળ અર્પણ કરી સેવા-સંસ્કારની પરંપરા આગળ વધારાઈ. વિશેષતા એ છે કે જય અને ડો. રચનાના લગ્ન માગશર સુદ પાંચમ એટલે કે વિવાહ પંચમીના શુભ દિવસે પૂર્ણ થયા; આ જ દિવસે શ્રીરામ-જાનકીના દેવ વિવાહ પણ ઇતિહાસમાં વર્ણવાયેલ છે.
નવદંપતીએ સોમનાથ મહાદેવ પાસે પ્રાર્થના કરી છે કે આ પહેલ સમાજમાં સાદગી, ધાર્મિકતા અને સેવાભાવ સાથે લગ્ન ઉજવવાની નવી પરંપરા સ્થાપે. આ ‘ડિવાઇન ડેસ્ટિનેશન વેડિંગ’ અનેક યુગલોને પ્રેરણા પૂરી પાડશે તેવી આશા વ્યક્ત કરાઈ છે.



