ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યામાં રામ મંદિરમાં બિરાજમાન થનારી રામલલ્લાની નવી પ્રતિમા નક્કી થઈ ગઈ છે. મંગળવારે એટલે આજથી પ્રાણપ્રતિષ્ઠા સાથે જોડાયેલાં અનુષ્ઠાન શરૂ થઇ રહ્યા છે, જે 21 જાન્યુઆરી સુધી ચાલશે. બપોરે એક વાગ્યાથી ભગવાન રામલલ્લાની મૂર્તિના નિર્માણ સ્થળ પર કર્મકુટી પૂજા શરૂ થઈ છે. આ પહેલાં રામ જન્મભૂમિ પરિસરમાં સાફ-સફાઈ કરાઈ હતી. રામ મંદિરનું પણ સરયૂ નદીના જળથી શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે. અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનની શરૂઆત થઈ ગઈ છે. હાલ પ્રાયશ્ર્ચિત અને કર્મકૂટી પૂજા શરૂ થઈ ગઈ છે. હવે 7 દિવસ સુધી અહીં વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવશે. મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે નવા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. આ પહેલાં આજથી અહીં મંદિર પરિસરમાં ધાર્મિક વિધિઓ શરૂ થઈ ગઈ છે. જે 21 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. 11 પૂજારી બધા ‘દેવી અને દેવતાઓ’નું આહ્વાન કરતી ધાર્મિક વિધિઓ કરી રહ્યા છે. ટ્રસ્ટે કહ્યું કે પ્રાણપ્રતિષ્ઠામાં સાત અધિવાસ છે અને ઓછામાં ઓછા ત્રણ અધિવાસ પ્રચલનમાં છે. 121 ‘આચાર્યો’ છે જે અનુષ્ઠાનનું સંચાલન કરી રહ્યા છે. ગણેશ્ર્વર શાસ્ત્રી દ્રવિડિયન ‘અનુષ્ઠાન’ની દેખરેખ, સંકલન અને નિર્દેશન કરી રહ્યા છે. મુખ્ય આચાર્ય કાશીના લક્ષ્મીકાંત દીક્ષિત હશે.
- Advertisement -
વડોદરાની 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યામાં પ્રગટાવાઈ
મંગળવારે અયોધ્યામાં ગુજરાતમાંથી લાવવામાં આવેલી 108 ફૂટ લાંબી અગરબત્તી સળગાવવામાં આવી હતી. આ અગરબત્તી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ મહારાજની હાજરીમાં પ્રગટાવવામાં આવી હતી. આ અગરબત્તી પર્યાવરણને અનુકૂળ છે. તે લગભગ દોઢ મહિના સુધી ચાલશે અને તેની સુગંધ ઘણાં કિલોમીટર સુધી ફેલાઈ જશે. આ અગરબત્તીનું વજન 3,610 કિલોગ્રામ છે અને તે લગભગ 3.5 ફૂટ પહોળી છે.