- મેળાના આયોજન માટે 13 સમિતિની રચના: કોવિડની ગાઈડલાઈન મુજબ મેળો થશે
- વિશ્ર્વનું શ્રેષ્ઠ આયોજન કરવા કલેકટરની સુચના
- 28 ફેબ્રુઆરીના મુખ્યમંત્રી હાજર રહેશે
- 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ભવનાથમાં શિવરાત્રિનો મેળો યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના મહામારીના કારણે ભવનાથમાં યોજાતો શિવરાત્રિનો મેળો છેલ્લાં બે વર્ષથી બંધ હતો. ગત વર્ષ માત્ર સંતો માટે મેળો યોજાયો હતો. ચાલુ વર્ષે પણ મેળો થશે કે કેમ તે નિર્ણય થયો ન હતો. અંતે સરકારે મેળો યોજવાની મંજૂરી આપી દીધી છે.
ગુરૂવારનાં શિવરાત્રિનાં મેળાને લઈ જિલ્લા કલેકટર રચિત રાજની અધ્યક્ષતામાં મિટીંગ મળી હતી. આ મિટીંગમાં અધિકારીઓ, રાજકિય નેતાઓ, સંતો હાજર રહ્યા હતા. જિલ્લા કલેકટર રચિત રાજે કહ્યું હતું કે કોવિડની ગાઈડલાઈન મુજબ શિવરાત્રિનો મેળો યોજવામાં આવશે. મેળાના આયોજન માટે જુદી-જુદી સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે મેળા માટે વિશ્ર્વનું શ્રેષ્ઠ આયોજન કરવું છે.
- Advertisement -
ભારતી આશ્રમનાં હરિહરાનંદબાપુએ કહ્યું હતું કે ભારતી આશ્રમમાં ત્રિદિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં તારીખ 28 ફેબ્રુઆરીના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહેશે.
દરેક વ્યક્તિ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે: ઈન્દ્રભારતીબાપુ
ઈન્દ્રભારતીબાપુએ કહ્યું છે કે મેળાને મંજૂરી આપવા બદલ સરકારનો આભાર માનીએ છીએ. મેળાથી નાના ધંધાર્થીઓને રોજગારી મળે છે. મેળામાં આવતા ભાવિકોને અપીલ છે કે કોવિડની ગાઈડલાઈનનું પાલન કરે.
મજેવડી દરવાજાથી ટ્રાફિક ડાયવર્ઝન કરી શકાય : કમિશનર
મનપા કમિશનર રાજેશ તન્નાએ કહ્યું હતું કે શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. આ કામ વહેલી તકે પૂર્ણ કરવા તાકિદ કરી છે તેમજ મજેવડી દરવાજા પાસે ટ્રાફિક ન થાય તે માટે ડાયવર્ઝન કરવું જોઈએ. આ ઉપરાંત મેળામાં લાઈટ, સફાઈ, રસ્તા, આરોગ્ય સુવિધાની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેમજ મોબાઈલ શૌચાલય પણ મૂકવામાં આવશે.
- Advertisement -
દરરોજ સમીક્ષા બેઠક થશે
મેળાને લઈને જુદા-જુદા વિભાગની સમિતિની દરરોજ સમીક્ષા બેઠક કરવામાં આવશે અને જે પ્રશ્ર્ન કે સમસ્યા હશે તેનું નિરાકરણ કરાશે.
રસીકરણ કેમ્પ અને કોરોના ટેસ્ટ થશે
શિવરાત્રિના મેળામાં આવતા ભાવિકો માટે રસીકરણના કેમ્પ કરવામાં આવશે. આ ઉપરાંત કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે તેમજ મેળામાં દવાખાના સહિતની આરોગ્ય સુવિધા ઉભી કરાશે.
મેળાનું લાઈવ પ્રસારણ થશે
શિવરાત્રિનાં મેળાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે જેથી કરીને લોકો ઘરે બેસીને પણ મેળાના દર્શન કરી શકશે. ભવનાથ મેળાનું લાઈવ પ્રસારણ થશે.
હવે પોલીસની કવાયત: સીસીટીવી કેમેરા, પોલીસ બંદોબસ્ત
શિવરાત્રિના મેળાનો 25 ફેબ્રુઆરી 2022થી પ્રારંભ થશે. હવે મેળો શરૂ થવા આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજથી પોલીસે પોતાની કવાયત શરૂ કરી દીધી છે. ભવનાથમાં સીસીટીવી કેમેરા, પોલીસ બંદોબસ્ત સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે.
કઈ કઈ સમિતિ બનાવાઈ
મેળાને લઈ 13 સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં મુખ્ય સંકલન સમિતિ, મેળા સ્થળ આયોજન, જાહેર સલામતી તથા ટ્રાફિક નિયંત્રણ, ઈલેકટ્રીકલ લાઈન અને સાઉન્ડ, આમંત્રણ, સ્વાગત અને પ્રોટોકોલ, સાંસ્કૃતિક કાર્યક્રમ, પાણી પુરવઠા સમિતિ, સફાઈ તથા ડ્રેનેજ સમિતિ, આરોગ્ય અને આકસ્મિક સારવાર સમિતિ, પ્રકાશન સમિતિ, આવશ્યક ચીજવસ્તુ સુવિધા સમિતિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિની રચના કરાઈ છે.


