ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર એસઓજીની ટીમે ભંગારના વેપારીને એક તમંચો અને બે કાર્ટીસ સાથે ઝડપી પાડ્યો છે. ભંગારના વેપારી ઈરફાન ઉર્ફે ઇફલો યાકુબ મારફાણીને દબોચી આગવી ઢબે સરભરા કરતા આરોપીએ તુરંત મોઢું ખોલ્યું હતું અને રાજકોટમાં સુથારી કામ કરતા યુપીના ઓમપ્રકાશ નામના શખ્સ પાસેથી તમંચો અને બે કાર્ટીસ લાવ્યો હોવાનો જણાવ્યું હતું. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિગત મુજબ રૈયા રોડ પરના છોટુનગર વિસ્તારમાં શિવપરા શેરી નં.2માં રહેતો અને જડ્ડુસ હોટલ વાળા રોડપર ડો.ભીમરાવ સર્કલ પાસે ભંગારનો ડેલો ધરાવતો ઈરફાન હથિયાર લઈ ફરી રહ્યો છે તેવી બાતમી એસઓજીના એએસઆઈ ફિરોઝભાઈ શેખ અને હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ આહીરને મળી હતી. એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટીમાં રહેતા સોયબ અને જસ્મિન નામના શખ્સ સાથે ઈરફાનને માથાકૂટ ચાલી રહી છે જેથી પોતે આ હથિયાર ડખ્ખો થાય તો કામ લાગે તેવા ઇરાદે લઈને ફરતો હતો. હાલ રૂ.5000ની કિંમતનો તમંચો, અને 200ની કિંમતના કાર્ટીસ કબ્જે કરી ઓમપ્રકાશ પાસેથી જ લાવ્યો કે કોઈ અન્ય પાસેથી તે સ્પષ્ટતા કરવા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મંગાશે.
તમંચો અને બે કાર્ટીસ સાથે ભંગારના વેપારી ઇફલાને ઝડપી પાડતી SOG
