ડેલીએ બેસીને ટપાલીની રાહ જોવાતી, તાર આવે તો જીવ અધ્ધર ચડી જતો
જગદીશ આચાર્ય
ઓહ..! ન હતા એસ.એમ.એસ.,ન હતી વોટ્સએપ ચેટ કે ન હતા ઇ-મેઈલ.એ પણ એક જમાનો હતો જ્યારે લખવા પડતાં પત્રો.લાગણીના ખડીયામાં કલમ ઝબોળી લોકો અક્ષરો કોતરતાં.અને ત્યારે જો સહુથી વધુ કોઈનો ઇંતેજાર રહેતો હતો તો એ હતો ટપાલીનો.
- Advertisement -
દીકરો બહારગામ ગયો હોય તો જતી વેળાએ પુત્રના માથે હાથ ફેરવી ભીની આંખે બા કહેતી,”સાચવીને જજે.ખાવા પીવાનું ધ્યાન રાખજે.અને પહોંચતાંવેંત પહોંચનો કાગળ લખી નાખજે.ભૂલતો નહીં, આળસ કરતો નહીં..”
અને દીકરો પહોંચીને તૂર્ત જ પહોંચનો કાગળ લખતો.હું સુખરૂપ પહોંચી ગયો છું.મુસાફરીમાં કોઈ તકલીફ નથી પડી.મારી ચિંતા કરશો નહીં. મારી તબિયત સારી છે.તમારી બધાની તબિયત પણ સારી હશે…”
પત્રના અંતે બધાને યાદી અપાતી.વડીલોને પ્રણામ કહેવાતા.બાળકોને પ્યાર કહેવાતો.
- Advertisement -
અને..બા ડેલીએ બેસીને ટપાલીની રાહ જોતી રહેતી.
દીવસમાં બે વખત ટપાલ આવતી.સવારે અને સાંજે.ટપાલી ડેલી ખખડાવી હોંકારો કરી હાથોહાથ ટપાલ આપતો.માત્ર ટપાલ જ ન આપતો,જે તે વિસ્તારની ખબરો પણ આપતો.ટપાલી આ દુનિયાનું સૌથી વધુ લોકપ્રિય પાત્ર હતું.
ટૂંકો પત્ર હોય તો પોસ્ટકાર્ડ લખાતા.તેમાં જગ્યા ઘટે તો સાઈડમાં આડી લાઈનમાં ઝીણા અક્ષરોમાં પુરવણી કરાતી.વેકેશન પહેલા મામા અને નાનાનું પોસ્ટકાર્ડ આવી જતું.”કઈ તારીખે કઇ બસમાં આવો છો એ વળતી ટપાલે જણાવો એટલે લેવા આવીએ.” કોઈના મૃત્યુની જાણકારી આપવાની હોય તો કાળી શાહીથી અશુભ લખાતું.એક સાઈડ કોરી રહેતી
ઈશ્વર ઈચ્છા બળવાન છે એવું પણ લખાતું.કોઈનો સબંધ નક્કી થયો હોય તો લાલ અક્ષરે પોસ્ટકાર્ડ લખાતા. અખબારોના વાચકો તંત્રીને પોસ્ટકાર્ડ લખતાં. છાપામાં વ્યાકરણની ભૂલ હોય તો તંત્રીને ઝાટકી નાખતા.તંત્રીલેખો અને સમાચારો ઉપર ધારદાર ટિપ્પણીઓ થતી.આવા પત્રો માટે અખબારો અઠવાડિયે એક વખત જગ્યા ફાળવતાં. જેનો પત્ર છપાય તે મહાનુભાવ એ કટિંગ સાચવી રાખતા.પોસ્ટકાર્ડના માધ્યમથી અખબાર અને વાચકો વચ્ચે સંવાદ સેતુ બનેલો રહેતો.
જાજું અને ખાનગી ખાનગી લખવું હોય તો ઇનલેન્ડ હતા.એનાથી પણ વધારે એટલે કે પાંચ છ પાનાનો પત્ર હોય તો કવર પેક કરાતાં.ઉપર વજન મુજબ ટીકીટ ચોડવાની. ઘરે પેઈસા મોકલવા હોય તો મનીઓર્ડરની સુવિધા હતી.ટપાલી લહેકો કરીને કહેતો”માડી,દીકરાએ 150 મોકલ્યા છે”.માથા ઉપર સાડલાનો છેડો ગોઠવતી વૃદ્ધ મા નો ચહેરો હરખાઈ જતો.ટપાલી ગણીને પેઈસા આપતો.રકમ મેળવનાર પહોંચની સહી અને ટૂંકો સંદેશો લખી આપતા.ઘરડી અભણ મા દૂર દેશાવરમાં રહેતા પુત્રને પત્ર લખવા માંગતી હોય તો એ સેવા પણ ટપાલી બજાવી દેતો.
લોકો સગા સંબંધીઓને સતત પત્રો લખ્યે રાખતા.એક બીજાના સમાચારો જાણતા રહેતાં. અક્ષરોમાં આત્મીયતા ઘૂંટાતી.લખેલા પત્રનો જવાબ ન આવે તો ચિંતાઓ થતી.સગાઈ થયેલા યુવક યુવતીઓ બંધ કવરમાં લાંબા લાંબા પત્રો લખતા.પત્રમાં લખવા માટે શાયરીઓના પુસ્તકો બજારમાં મળી રહેતાં.શાયરાના અંદાઝમાં સાજન અને સજની એકબીજાને મોહબબતના પયગામો દેતા. કાગળ વચ્ચે ફૂલની પાંદડી મુકાતી.
ફૂલ તુમ્હેં ભેજા હૈ ખત મેં.વળી વળતાં પત્રમાં લખે કે ખત સે જી ભરતા હી નહીં..પત્ર આવે એટલે ઘરના બધા મીઠી મશકરીઓ કરતાં.લજ્જાશીલ કન્યાઓ શરમાઈ જતી.ગાલો પર રતુંબડી સુરખી છવાઈ જતી.અને પછી એકાંતનો ખૂણો શોધી પત્ર વાંચયે રાખતી.પત્રોનો પણ એક જમાનો હતો.મોઢે ન કહી શકાતું એ બધું પત્રો બોલતા.
પત્ર તો મળે બે ત્રણ દિવસે એટલે કોઈ અરજન્ટ મેસેજ હોય તો તાર ઉર્ફે ટેલિગ્રામની સુવિધા હતી.ટેલિગ્રામનું મેટર લખીને તાર ઓફિસે આપવું પડતું.લોકો બહુ જરૂરી હોય તો જ તાર કરતાં. તાર આવે ત્યારે પહેલાં તો ફડકો બેસતો કે કાંઈ અજુગતા સમાચાર તો નથી ને.રાત્રે જો તાર આવે તો સમજી જ લેવાનું કે કોઈ ગયું.શુભ પ્રસંગો,સંતાન જન્મ કે પરીક્ષામાં સફળતા માટે અભિનંદન આપવા લોકો તાર કરતાં.ખુશી કા પયામ દેનાર ડાકિયાને બક્ષિસો અપાતી.મોઢા ગળ્યા થતા ને આખી શેરીમાં પેંડા વહેંચાતા.દિવાળી ઉપર શુભ દીપાવલી અને નુતનવર્ષાભિનંદના કાર્ડસથી ટપાલી નો થેલો વજનદાર થઈ જતો.
આજે તો એક ખીચ્ચામાં બે મોબાઈલ ફોન હોય છે પણ એ પણ એક સમય હતો જ્યારે આખી શેરીમાં એકા’દા ઘરમાં જ ફોન હોય.બધાએ પોતાના સગા વ્હાલાને એ નંબર આપી રાખ્યો હોય.શેરીમાંથી કોઈના માટે ફોન આવે એટલે ફોન માલિક દોડીને જાણ કરે.આવી તકલીફ બદલ ભાગ્યે જ કોઈ મોઢા બગાડતું. એક ફોનમાં આખી શેરીનું રળી જતું.
બહારગામ ફોન કરવો હોય તો તાર ઓફિસે બુક કરાવવો પડતો.તે પછી ઘંટડી વાગે તેની પ્રતીક્ષા કરવાની.લાઇન કનેક્ટ થાય તો વાત થાય નહીંતર ન પણ થાય.વાત થતી હોય ત્યારે ઓપરેટર વચ્ચે લાઇન પર હોય,બધી વાત સાંભળી શકે.ઘરે ફોન ન હોય તો તાર ઓફિસે જવાનું.ત્યાં બુક કરાવીને પછી વારો આવે તેની રાહ જોવાની.અરજન્ટ કોલમાં વહેલો વારો આવી જાય.લાઈટનિંગ કોલ એટલે આમ બુક કરો અને ચપટી વગાડતાં બે પાંચ મિનિટમાં જ ફોન લાગે.
એ પછી સંદેશા વ્યવહાર ક્ષેત્રે ક્રાંતિ આવી.પીળા કલરની એસ.ટી.ડી.બુથ ની કેબીનોનો ભવ્ય જમાનો આવ્યો.બારણું બંધ કરીને લાંબી લાંબી વાતો કરવાની સુવિધા ઊભી થઈ ગઈ.દીકરો બહારગામ પહોંચીને બસ સ્ટેશનમાંથી જ પહોંચનો ફોન કરતો થઈ ગયો.પહોંચના પત્રો ઓછા થતા ગયા.અને હવે ઇનરનેટના યુગમાં તાર, ટપાલ,અરજન્ટ કે લાઈટનિંગ કોલનો જમાનો પણ ભૂતકાળ બની ગયો.
“બા તું મારી ચિંતા કરતી નહીં, તારી તબિયત સાચવજે. બાપુજીને પ્રણામ કહેજે..”પોસ્ટકાર્ડમાં છલકાતી,ગરબડીયા અક્ષરોમાં વ્યક્ત થતી એ ભીની ભીની લાગણીઓનું કાવ્ય વિલાઈ ગયું.હવે પત્રો વચ્ચે ફૂલોની પાંદડીઓ નથી આવતી.ઇશ્ક પણ ડિજિટલ થઈ ગયો છે.મોહબબતના પયગામો દેવા માટે ઇમોજી પર આંગળી અડાડવાની રહે છે.
બિસરી હુઈ યાદે છે એ બધી.હવે ટપાલો નથી લખાતી.કાગળ ઉપર શબ્દોના શિલ્પ હવે નથી કંડારાતાં.હવે ડાકિયા ડાક નથી લાવતા.ડેલીએ બેસીને હવે કોઈ વ્યાકુળ બની ટપાલીની પ્રતીક્ષા નથી કરતું.