અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયા સાથે શાંતિવાર્તા કરવી યૂક્રેનની સરખામણીમાં વધુ સરળ છે. તેમણે એમ પણ કહ્યું કે તેમને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર વિશ્વાસ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર રશિયા-યૂક્રેન યુદ્ધ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે યૂક્રેન કરતાં રશિયા સાથે શાંતિ વાટાઘાટો કરવી વધુ સરળ છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર વિશ્વાસ કરે છે અને તેમને લાગે છે કે પુતિન યુદ્ધ ખતમ કરવા માંગે છે. વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે કહ્યું, “મને પુતિન પર વિશ્વાસ છે. યૂક્રેન સાથે વ્યવહાર કરવો મારા માટે વધુ મુશ્કેલ બની રહ્યું છે કારણ કે તેમની પાસે ઘણા વિકલ્પો નથી. રશિયા સાથે ડીલ કરવો કદાચ સરળ થઈ શકે છે. અમે યૂક્રેન પર વધુ દબાણ લાવી રહ્યા છીએ જેથી યુદ્ધ શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત થઈ શકે.”
- Advertisement -
જણાવી દઈએ કે યૂક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે અને અમેરિકા પાસેથી લશ્કરી અને આર્થિક સહાયની અપેક્ષા રાખી રહ્યું છે. પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રે હાલમાં યૂક્રેનને આપવામાં આવતી લશ્કરી અને ગુપ્તચર સહાય બંધ કરી દીધી છે. તેનો હેતુ યૂક્રેન પર દબાણ લાવવાનો છે જેથી તે વાતચીત માટે તૈયાર થઈ જાય.
મારા પુતિન સાથે સારા સંબંધો: ટ્રમ્પ
શુક્રવારે રશિયા પર નવા પ્રતિબંધોની ધમકી આપવા છતાં, ટ્રમ્પે કહ્યું કે તેઓ સમજે છે કે પુતિનના દળોએ રાતોરાત યૂક્રેનમાં મોટા પાયે બોમ્બમારો કેમ શરૂ કર્યો. ટ્રમ્પે કહ્યું, “મને લાગે છે કે તેઓ એ જ કરી રહ્યા છે જે આ પદ પરનો કોઈપણ વ્યક્તિ અત્યારે કરી રહ્યો હશે. પુતિન સાથે મારા હંમેશા સારા સંબંધો રહ્યા છે. અને તમે જાણો છો કે તેઓ યુદ્ધ ખતમ ખરવા માંગે છે.”
- Advertisement -
અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે મને લાગે છે કે તેઓ (પુતિન) જેટલા હોવા જોઈતા હતા, એના કરતા ઘણા વધારે ઉદાર થવા જઈ રહ્યા છે, અને તે ખૂબ જ સારી વાત છે. આનો અર્થ એ કે ઘણી બધી સારી બાબતો છે. ટ્રમ્પે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ચેતવણી આપતા કહ્યું કે જો તેઓ પશ્ચિમી દેશો પાસેથી સુરક્ષા ગેરંટી માંગવાનો આગ્રહ રાખશે તો અમેરિકા તેમને મદદ કરવાનું બંધ કરી શકે છે.
ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે થઈ હતી ઉગ્ર ચર્ચા
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. ઓવલ ઓફિસમાં મીડિયા સામે થયેલી આ ચર્ચા બાદ પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ કે ઝેલેન્સકી કોઈપણ મિનરલ ડીલ પર હસ્તાક્ષર કર્યા વિના યૂક્રેન પાછા ફર્યા. વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઝેલેન્સકીને કડક શબ્દોમાં ચેતવણી આપી અને કહ્યું કે તમે લાખો લોકોના જીવન સાથે રમી રહ્યા છો. તમારો દેશ જોખમમાં છે, પણ તમે તેને સમજી રહ્યા નથી. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું કે યુદ્ધનો અંત લાવવા માટે, યૂક્રેનને આખરે રશિયા સાથે સમાધાન કરવું જ પડશે.