ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ ઝીંકી, ઈઝરાયલ હવે વળતો હુમલો કરવાની ફિરાકમાં
ખાસ-ખબર ન્યૂઝ ઇટાલી
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે G-7 નેતાઓની બેઠક મળશે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે દુનિયાના અન્ય મોટા દેશો પણ એલર્ટ થઈ ગયા છે. ઇટાલીનાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની મધ્ય-પૂર્વમાં કટોકટીની ચર્ચા કરવા માટે બુધવારે ગ્રુપ ઓફ સેવન એટલે કે G7 નેતાઓની બેઠકનું આયોજન કરશે. આ માહિતી તેમના કાર્યાલય તરફથી આપવામાં આવી છે. વડાપ્રધાન મેલોનીના કાર્યાલયમાંથી એક નિવેદનમાં જણાવાયું છે કે મેલોનીએ બુધવારે તેમની કેબિનેટ સમક્ષ તાજેતરની ઘટનાઓ વિશે તેમની “ઊંડી ચિંતા” વ્યક્ત કરી છે, જેમાં ઇઝરાયલ વિરુદ્ધ ઇરાનના મિસાઇલ હુમલાઓ અને લેબનનમાં વધતી અસ્થિરતાનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે G-7 એ વિશ્ર્વની સૌથી મોટી વિકસિત અર્થવ્યવસ્થાઓથી બનેલી આંતર-સરકારી સંસ્થા છે. આ ગ્રુપમાં ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, અમેરિકા, યુનાઇટેડ કિંગડમ અને કેનેડા જેવા દેશોનો સમાવેશ થાય છે.
- Advertisement -
મંગળવારે મોડીરાત્રે ઈરાને ઈઝરાયલ પર લગભગ 200 જેટલી બેલિસ્ટિક મિસાઈલો ઝીંકી હતી. જોકે આના કારણે જાનમાલના નુકસાનની સત્તાવાર માહિતી હજુ સુધી પ્રાપ્ત નથી થઈ. ઈરાનના તાજેતરના હુમલા પર ઈઝરાયલનો જવાબ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, આ વખતે ઈઝરાયલ ઈરાનની અંદર જવાબી કાર્યવાહી અને હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. એટલું જ નહીં, ઈઝરાયલ ઈરાનનાં તેલ ઉત્પાદન અને અન્ય વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવી શકે છે. ઇઝરાયલ અને ઈરાન મધ્ય-પૂર્વમાં ફેલાયેલા યુદ્ધમાં આટલા ખતરનાક મુકામે ક્યારેય સામસામે આવ્યા નથી. ઈરાને ધમકી આપી હતી કે જો ઈઝરાયલ મંગળવારના હુમલાનો બળ સાથે જવાબ આપશે તો ફરી હુમલો કરશે. જો આવું થાય તો ઈઝરાયલના અધિકારીઓનું કહેવું છે કે ઈરાનનાં પરમાણુ સ્થળો પર હુમલા સહિત તમામ વિકલ્પો અમારી પાસે ઉપલબ્ધ રહેશે.