એક કલાકની જનરલ બોર્ડની મિટીંગ માત્ર બે પ્રશ્ર્નમાં જ પૂરી કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મિટીંગ મળી હતી. જેમાં નગરસેવકો દ્વારા કુલ 15 પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં પહેલો પ્રશ્ર્ન વોર્ડ નં. 2ના ભાજપના કોર્પોરેટર મનીષ રાડીયાનો હતો. ત્યારે એક કલાકના જનરલ બોર્ડમાં માત્ર 2 પ્રશ્ર્નો જેમાં એક રામવન અને બીજો ટ્રાફિક સિગ્નલ એમ બે પ્રશ્ર્નોની ચર્ચા કરી એક કલાકની જનરલ બોર્ડ પૂરી કરી હતી. જેમાં પ્રજાના પ્રશ્ર્નો ન હતા પરંતુ ભાજપની વાહ-વાહ હતી.
- Advertisement -
જેનો વિરોધ કરતાં વશરામ સાગઠીયાએ રસ્તા પર પડેલા ખાડા બાબતે ચર્ચા કરી વિરોધ નોંધાવ્યો હતો.
આજના જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્ર્નો નહીં પરંતુ સતત એક કલાક સુધી રામવન અને ટ્રાફિક સિગ્નલની જ ચર્ચા કરવામાં આવી હતી અને પ્રજાના પ્રશ્ર્નોને સાઈડમાં મૂકવામાં આવતાં વિપક્ષના કોર્પોરેટર અને શાસક પક્ષના અધિકારીઓ વચ્ચે તડાફડીનો માહોલ સર્જાયો હતો. આ સાથે ત્રણ દરખાસ્તો પૈકી બે દરખાસ્ત મંજૂર અને વર્ષો જૂની વાવડી સિપાહી જમાતની દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી હતી.
રામવન અને ટ્રાફિક સિગ્નલ અંગેના મનીષ રાડીયા દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નો
ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નં. 2ના કોર્પોરેટર મનીષ રાડીયાએ જનરલ બોર્ડમાં રામવન શરૂ થયું ત્યારથી અત્યાર સુધી કેટલા મુલાકાતી આવ્યા? કેટલી આવક? અને સુવિધા અંગે પૂછતાં મ્યુ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું કે રામવન શરૂ થયું ત્યારથી અત્યાર સુધી 2.50 લાખ લોકોએ મુલાકાત લીધી છે તથા મનપાને 4,70,950ની આવક થઈ છે. રામવનમાં 80000 જેટલા વૃક્ષોનું વાવેતર થયું છે અને 81 જેટલી વૃક્ષોની પ્રજાતિઓ છે અને જાપાની પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સિનિયર સિટીઝનો માટે ઈલેક્ટ્રિક કારની સુવિધા તથા કોઈ ફેમિલીને બુક કરવી હોય તો સ્પેશ્યલ કાર બુક કરાવી શકશે. 205 જેટલી સોલાર લાઈટ, ત્રણ કેન્ટિન જેમાં હાઈજીનિક ફૂડ મળી રહે તે માટે પ્રપોઝલ મૂકવામાં આવી છે. જુદી-જુદી રાશિઓ માટે રાશિવન બનાવવામાં આવ્યું છે જેમાં દરેક રાશિના વૃક્ષો વાવ્યા છે. આ ઉપરાંત ત્રણ સરોવર, તેમજ શહેરમાં કુલ 30 ટ્રાફીક સિગ્નલ છે જેમાં દરેક સિગ્નલ એટીસીએસમાં ક્ધવર્ડ કરવામાં આવ્યા છે. આ સ્માર્ટ સિગ્નલથી 15થી 20 ટકા જેટલો સમય પ્રજાનો બચે છે.
- Advertisement -
જનરલ બોર્ડમાં વિપક્ષી નેતા ભાનુ સોરાણી વોકઆઉટ
આજે સામાન્ય સભામાં એક કલાકનો સમય અધિકારીઓએ બગાડતા હોવાથી વિપક્ષના કોર્પોરેટર દ્વારા વિરોધ સાથે હોબાળો મચાવ્યો હતો અને વશરામ સાગઠીયાએ પ્રજાના પ્રશ્ર્નો એવા ખાડા બાબતે પ્રશ્ર્ન પૂછતાં તું-તું મેં-મેંવાળી થઈ હતી. વશરામ સાગઠીયાએ વોર્ડ નંબર 18માં મસમોટા ખોડા હોવાનો વિડીયો બનાવ્યો હતો અને છેલ્લે સુધી ઉભા રહી વિરોધ નોંધાવ્યો હતો. આ તકે મેયર પ્રદિપ ડવે કહ્યું કે લોકોના પ્રશ્ર્નોને ધ્યાનમાં રાખી ભાજપના નગરસેવકો રાત્રિના બે વાગ્યે પણ ખાડા બૂરવાનું કામ કરે છે. સતત 20 મિનિટ સુધી તું-તું મેં-મેંનો માહોલ જામ્યો હતો. વધુમાં વશરામ સાગઠીયાએ ભાજપને સંસ્કાર વગરની ગણાવી અને કહ્યું કે ભ્રષ્ટાચાર ન થયો હોત તો રસ્તાઓ તૂટ્યા ન હોત તથા વિપક્ષી નેતા ભાનુ સોરાણી જનરલ બોર્ડમાં જ વોકઆઉટ થયા હતા.