ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તેમજ કમોસમી વરસાદને કારણે ઠંડીનો પારો બેથી ત્રણ ડીગ્રી વધવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે સામાન્ય વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના કેટલાક સ્થળોએ છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. ભરૂચ અને નર્મદા, તાપી, સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.
- Advertisement -
માછીમારોને સાવચેતી પૂર્વક રહેવાની ચેતવણી
આ બાબતે હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની કોઈ શક્યતા નથી. તેમજ દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી ગુજરાત તરફ સિસ્ટમ આવી રહી છે. જેનાં કારણે આગામી 2 દિવસ સુધી પવનની ગતિ વધુ રહેશે. 10 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી માછીમારોને દરિયામાં સાવચેતી પૂર્વક રહેવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
વરસાદની આગાહી કરતા ખેડૂતો ચિંતામાં ગરકાવ
શિયાળાની ઋતુમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા અને વરસાદી વાતાવરણ સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. ત્યારે અગાઉ પડેલ વરસાદને કારણે શિયાળુ પાક વાવેતરને નુકશાન થવા પામ્યું હતું. જે બાદ સરકાર દ્વારા સર્વેનો આદેશ કરાયો હતો. તેમજ એક મહિનામાં સર્વેનો રિપોર્ટ સોંપવા કૃષિમંત્રી દ્વારા જીલ્લા કક્ષાએ અધિકારીઓને આદેશ કરાયો હતો. તો બીજી તરફ હવે ફરી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે. હવે ફરી વરસાદ પડે તો શિયાળુ પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.