શ્રાવણ મહિનો પૂરો થવામાં છે. આખો મહિનો આપણે બધાએ યથાશક્તિ મહાદેવની ભક્તિ કરી છે. શ્રાવણ એટલે શ્રવણનો મહિનો. મહાદેવના મંત્રનો જાપ એટલો બધો થવો જોઈએ કે જાપ કરતા કરતા સાધક અજપામાં ચાલ્યો જાય.
કબીર કહી ગયા છે :
“સુન સુન કે મન મગન હુઆ,
લાગ સમાધિ રહો ગુરુ ચરનન,
અંદરકા દુ:ખ દૂર હુઆ”
- Advertisement -
મંત્ર-જાપ એટલો બધો કરવો કે એક સમય એવો આવી જાય કે આપણને જાપ કરવાની જરૂર ન રહે. આવી સ્થિતિ માટે કબીર કહે છે :
“હમારા જપ કરે હમારા રામ,
હમ તો બૈઠે આરામ”
શ્રાવણ મહિનામાં મહાદેવની ભક્તિ કરતી વખતે સાધકે કેટલીક બાબતોની જાગૃતિ રાખવાની છે. આપણે બીલીપત્ર, દુગ્ધાભિષેક, જળાભિષેક, તિલક, માળા આ બધાના અવલંબનમાંથી નીકળીને નિરાવલંબનમાં જવાનું છે. પેલું બધું અવશ્ય કરો પરંતુ આપણું અંતિમ ધ્યેય આકારમાંથી નીકળીને નિરાકારમાં જવાનું છે. શબ્દમાંથી નિ:શબ્દ બનવાનું છે. બાહ્ય ગુરૂમાંથી સરકીને અંતર્ગુરુના શરણે જવાનું છે. ગ્રંથમાંથી નીકળીને નિર્ગ્રંથ બનવાનું છે. ભાષા, શબ્દ, વ્યાકરણ, સંગીત આ બધાથી પરમનો પ્રદેશ પેલે પાર આવેલો છે. આપણે ત્યાં પહોંચવાનું છે.