રાજકોટ બાર એસોસિએશનમાં લોકશાહી દબાવવાનો પ્રયાસ
હિસાબો રજૂ કર્યા વિના બોડીનો સમય પૂર્ણ, એજન્ડા વગરની કાર્યવાહી અને પ્રોક્સી નેતૃત્વ સામે વકીલોમાં અસંતોષ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ બાર એસોસિએશનમાં વર્ષ 2024-25ની બોડીના કાર્યકાળના અંતિમ તબક્કે ગંભીર વિવાદ ઉભો થયો છે. બારના હોદ્દેદારોને અરજીઓ આપવામાં આવી હોવા છતાં જનરલ બોર્ડ ન બોલાવવામાં આવતાં બારના સભ્યોનો અવાજ દબાવવાનો પ્રયાસ થયો હોવાના આરોપો થયા છે. નિયમ મુજબ નવી ચૂંટણી પહેલા વર્ષ દરમિયાનના હિસાબો રજૂ કરવા જનરલ બોર્ડ બોલાવવું ફરજિયાત હોવા છતાં, ભ્રષ્ટાચાર અને કાર્યક્ષમતા સંબંધિત પ્રશ્નોત્તરીથી બચવા જનરલ બોર્ડ ટાળવામાં આવ્યું હોવાની ચર્ચા છે. આ ઉપરાંત સંદિપ વેકરીયા વિરુદ્ધ એજન્ડા વગર અને નોટિસ આપ્યા વિના કાર્યવાહી કરાઈ હોવાનો આરોપ છે. ચૂંટણી અધિકારીને સત્તા સોંપાઈ ગયા બાદ પણ કાર્યવાહી કરાઈ હોવાની બાબત સામે આવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, બીસીઆઈ અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં બાર એસોસિએશનના ઠરાવ વિના ઉપપ્રમુખ સુનિલ વોરા દ્વારા કરાયેલી કાર્યવાહી મુદ્દે હાઈકોર્ટમાં ટકોર કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા સુનિલ વોરાને સ્ટે ન મળતાં સંદિપ વેકરીયા ચૂંટણી લડી શકશે તે સ્પષ્ટ થયું છે.ગત બોડી દરમિયાન પ્રોક્સી હોદ્દેદારો દ્વારા કાર્ય થયાનું મુદ્દો પણ ચર્ચામાં છે. તે સમયના ઉપપ્રમુખ સુમિત વોરા આરબીએ પેનલમાંથી પ્રમુખપદ માટે દાવેદારી કરી રહ્યા હોવાથી, પ્રોક્સી પ્રમુખને સત્તા સોંપી શકાય કે નહીં તે પ્રશ્ન હવે 19 ડિસેમ્બર 2025ના મતદાન દ્વારા બારના સભ્યો નક્કી કરશે.
આ પૃષ્ઠભૂમિમાં લીગલ સેલ સમરસ પેનલ તરફથી સુરેશભાઈ ફળદુ પ્રમુખપદે ચૂંટણી લડી રહ્યા છે. સમરસ પેનલમાં સિનિયર વકીલોની મજબૂત હાજરી છે, જેમાં કેતન જેઠવા અને જતિન ઠક્કર જેવા સિનિયર વકીલો કારોબારી સભ્ય તરીકે મેદાનમાં છે. સમરસ પેનલ પોતાને એવી ટીમ તરીકે રજૂ કરે છે, જે પ્રોક્સી નહીં પરંતુ જાતે નિર્ણય લેતી સક્ષમ નેતાગીરી આપશે. સિનિયર વકીલોમાંથી ઉઠતી ચર્ચા મુજબ, રાજકોટ બારની ગૌરવભરી આન-બાન-શાન પુન:સ્થાપિત કરવા અને સરમુખત્યારશાહી નાબૂદ કરી લોકશાહી મજબૂત કરવા માટે સમરસ પેનલને ચૂંટણી મેદાને ઉતારવામાં આવી છે. પેનલ દ્વારા વકીલ ભવન, બાર એસોસિએશનને ફાળવાયેલ 5 એકર જમીન, હાઈકોર્ટ બેંચ, નવા કોર્ટ બિલ્ડિંગમાં પોસ્ટ ઓફિસ, એટીએમ, ઈ-સ્ટેમ્પિંગ જેવી સુવિધાઓ તેમજ સરકારી કચેરીઓમાં વકીલોના પ્રશ્નોને આગળ ધપાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો છે. ઉલ્લેખનીય છે કે, સુરેશભાઈ ફળદુ ઉપપ્રમુખ તરીકે રહી નવી કોર્ટ બિલ્ડિંગના ઓપનિંગ બાદ શિફ્ટિંગ, પેટાબારને રૂમો-ફર્નીચર ફાળવણી અને વકીલ મિત્રોને ટેબલોની વ્યવસ્થા જેવા પડકારજનક મુદ્દાઓ સફળતાપૂર્વક પાર પાડી ચૂક્યા છે. હવે તેઓ પ્રમુખપદે રહી રાજકોટ બારના અધૂરા પ્રશ્નો વકીલોના હિતમાં ઉકેલવા પ્રતિબદ્ધ હોવાનું જણાવી રહ્યા છે.



