ખાનગી કોલેજોને સૌથી મોટો ફટકો પડવાની ભીતિ : 66 હજાર બેઠકો સામે અંદાજીત 25 હજાર વિદ્યાર્થીઓ જ એન્જીનીયરીંગમાં પ્રવેશને પાત્ર
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગત વર્ષ કરતાં સામાન્ય ઉંચું આવ્યું હોવા છતાં એન્જીનીયરીંગ કોલેજોમાં 20 થી 60 ટકા સુધીની બેઠકો ખાલી રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત બોર્ડનું ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.02 ટકા જાહેર થયું છે. 2020માં 71.74 ટકા હતું. શિક્ષણવિદોના કહેવા પ્રમાણે 26,183 વિદ્યાર્થીઓ જ ગ્રુપ-એમાં ઉર્તિણ થયા છેતેમાંથી 24,000 એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવવા માટે લાયક છે. રાજ્યમાં સરકારી-ખાનગી સહિતની એન્જીનીયરીંગ કોલેજોનો કુલ 66,000 બેઠકો છે જેને લક્ષમાં લેવામાં આવે તો મોટી સંખ્યામાં સીટો ખાલી રહેશે. સીબીએસઇના વિદ્યાર્થીઓની પણ ગણતરી કરવામાં આવે તો પણ સરકારી કોલેજોમાં 20 ટકા અને ખાનગી કોલેજોમાં 60 ટકા બેઠકો ખાલી રહી શકે છે. આ પરીક્ષામાં કુલ 95,361 વિદ્યાર્થીઓ હતા તેમાંથી 67681 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ગ્રુપ-એમાં 33,369 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાંથી 26,183 પાસ થયા છે તે પૈકી 2299 ડી ગ્રેડમાં પાસ થયા છે. એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે ન્યુનત્તમ 45 ટકા માર્કસ અનિવાર્ય છે.
ડી ગ્રેડનાં 2299માંથી થોડાક પ્રવેશને પાત્ર રહી શકશે. બધી ગણતરી કરવામાં આવે તો પણ એન્જીનીયરીંગ કોલેજોમાં હજારો બેઠકો ખાલી રહેવાની શક્યતા છે. ખાનગી કોલેજોને જ સૌથી વધુ ફટકો પડવાની ભીતિ છે. શિક્ષણવિદોના કહેવા પ્રમાણે એન્જીનીયરીંગ અભ્યાસક્રમ તરફ વર્ષોવર્ષ વિદ્યાર્થીઓને રસ ઓછો થઇ રહ્યો છે. 2013માં 74226 વિદ્યાર્થીઓએ ગ્રુપ-એમાં પરીક્ષા આપી હતી, 2021માં માત્ર 44546 વિદ્યાર્થીઓ ગ્રુપ-એમાં હતા, 2020માં તે સંખ્યા 34440 હતી. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના ડીન જી.ટી. વાડોદરીયાએ કહ્યું કે એન્જીનીયરીંગ પ્રત્યેનો રસ ઓછો થઇ રહ્યો છે. માત્ર કોમ્પ્યુટર અને આઈટીમાં આકર્ષણ છે.