જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખની દિનેશ ખટારીયા સામે તીખી પ્રતિક્રિયા
પ્રદેશ ભાજપમાં ફરિયાદ કરી છે, સામાજિક અને પ્રબુદ્ધ લોકો સાથે બેઠક કરીશ
- Advertisement -
આ જિલ્લામાં ગુંડારાજ ઉભું કરવું છે, હું ધમકીથી ડરતો નથી: જિ.પં.પ્રમુખ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી અંદરો અંદર સામ સામે આવીને આક્ષેપ પ્રતિ આક્ષેપ સાથે બઘડાટી બોલી છે. જેમાં જોઈએતો ડીડીઓ સામે સરપંચ સંગઠન દ્વારા મોરચો માંડયો છે. અને ડીડીઓને હટાવવાની માંગ ઉઠી છે. હજુ એ શાંત નથી થયું ત્યાં હવે સાવજ ડેરીના ચેરમેન અને ભાજપ નેતા દિનેશ ખટારીયાએ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમરને વોટ્સેપ કોલ પર ગાળું ભાંડી ધમકી અપાતા નવો વિવાદ શરુ થયો છે. આમ ભાજપમાં અંદરો અંદર વિખવાદ શરુ થયા છે અને ધમકી અને દાદાગીરી પર ઉતરી આવ્યા હોવાનો ઘટસ્ફોટ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર દ્વારા કરવામાં આવ્યો છે અને વેદના સાથે દિનેશ ખટારીયા વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમરને સામે દાદાગીરી અને ધમકી મળતા તેમને જણાવ્યું હતું કે, હું જન સંઘથી પાયાનો કાર્યકર છુ અને ભાજપ મારી માં છે. જયારે મારી માને અને મારી માતૃ સંસ્થાને કોઈ ગાળો આપે તે સહન નહીં થાય અને હું કોઈ નાથી ડરતો નથી અને આવા આવા લોકો સામે ઝૂકીને ખીર ખાવી એના કરતા ખીચડી ખાવી સારી છે. વધુ કહ્યું કે, જૂનાગઢ જિલ્લામાં કેવું રાજકારણ કરવું છે શું ગુંડારાજ ઉભું કરવું છે. આજે સામાન્ય કાર્યકર્તા ડરાવી ધમકાવીને માર મારવામાં આવે તે ભારતીય જનતા પાર્ટીને શોભે નહિ મેં મારો અવાજ પ્રદેશ કક્ષા સુધી પોહચાડી દીધો છે. અને મને ન્યાય મળશે તેની મને ખાતરી છે.
- Advertisement -
આગામી દિવસોમાં ભાજપના વડીલો સમાજીક આગેવાનો અને પ્રભુત્વ નાગરિકો સાથે બેઠક કરીને આવા લોકોને ખુલ્લા પાડીશ તેમ કહ્યું હતું. ભાજપ શાસિત જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમરને ભાજપના અગ્રણી દિનેશ અને ખટારીયાએ ધમકી આપી હોવાના મામલો વધુ ગરમાયો છે. પ્રમુખ ઠુંમરે ખાસ વાતચીતમાં કહ્યું કે, ’હું આવા માથાભારે લોકોથી ડરી જાઉં તો સામાન્ય લોકોની શું સ્થિતિ થાય? નાના-નાના કાર્યકરોને પદ કે અન્ય માટે માર મારેલો છે અને ધમકી આપવાની ઘટના કાયમ બની રહી છે. હવે આવી ઘટનાઓ ચલાવી લેવામાં નહી આવે. જિલ્લાભરના દરેક સમાજના આગેવાનોની માંગણી આવી રહી છે કે આવા લોકો વિરૂઘ્ધ દરેકે એક થવું પડશે, આગામી દિવસોમાં સર્વે સમાજના આગેવાનો અને લોકોની બેઠક બોલાવવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે. આપણા જિલ્લાને આપણે કેવું શાસન આપવા માંગીએ છીએ? ગુંડાગીરીવાળું કે પારદર્શક વહીવટવાળું ? તે અંગેની બેઠકમાં ચર્ચાઓ કરી રણનીતિઓ નક્કી કરવામાં આવશે.’
તેમણે ઉમેર્યું, ‘હું છેલ્લા ઘણા સમયથી રાજકારણ સાથે જોડાયેલો છું, મેં આજ દિન સુધી ક્યારેય કોઈ નાનામાં નાના માણસથી લઈ કોઈપણ કક્ષાના વ્યક્તિ સાથે ગેરવર્તનથી વાત કરી હોય તેવો દાખલો નથી. મેં ક્યારેય કોઈને તુંકારો પણ કર્યો નથી. મારી 80 વર્ષની માંને બેફામ ગાળો આપી, મારી બહેનોને ગાળો આપી, હવે હું કેવી રીતે સમાધાન કરૂ. હું મોતથી ડરતો નથી, ભલે મને કાલે મારી નાખે. માણસને દાદાગીરી કરવી હોય તો રાષ્ટ્ર માટે કરવી જોઈએ, નહી કે સામાન્ય લોકો સાથે. મારામાં હિંમત છે જ પણ એ સારા રસ્તે વાપરૂ છું. પાર્ટીને હું મારી માં ગણું છું, મને 100 ટકા વિશ્વાસ છે કે મને આગામી સમયમાં આ મુદ્દે ન્યાય મળશે. હું પૈસા માટે રાજકારણ કરતો નથી, વિઘ્નસંતોષી માણસો મારૂ પદ જોઈ શકતા નથી અને અંદરથીને કીડો ઉપડે છે. સામાજિક કે રાજકીય રીતે પહોંચી શકતા ન હોવાથી મોરલ ડાઉન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. મને વિશ્વાસ છે કે આવા માણસોને પાર્ટીના એકપણ આગેવાન મદદ નહીં કરતા હોય.’