વિદેશમાં જાહેર નહી કરેલું રોકાણ-મિલ્કત તથા વ્યવહારો અંગે કરદાતાને પુરતી માહિતી આપ્યા વગર જ 31 માર્ચ 2023 એસેસમેન્ટ ઓર્ડર અપાતા દેકારો
ખાસ-ખબર સંવાદદાતા
આવકવેરા વિભાગે બ્લેક મની એકટ હેઠળ નાણાકીય વર્ષ 2021ના કેસમાં ફકત તા.31 માર્ચ- 2023ની ડેડલાઈન જાળવવા જ દેશભરમાં હજારો એસેસમેન્ટ ઓર્ડર ઈસ્યુ કરી દેતા આ મુદે જબરો કાનુની વિવાદ છેડાય તેવા સંકેત છે. ઈન્કમટેકસ એકટ હેઠળ આવકવેરા ખાતામાં જે કેસમાં પ્રારંભીક નોટીસ ઈસ્યુ કરવામાં આવી હોય તેમાં 2 વર્ષમાં એસેસમેન્ટ (આકારણી) પુરી કરવી ફરજીયાત છે તે મુજબ નાણાકીયમાં 2020/21 (માર્ચ 2021)માં જેઓને બ્લેકમની એકટ હેઠળ નોટીસ ફટકારવામાં આવી હોય તેઓને તા.31 માર્ચ 2023 પુર્વે તેનું એસેસમેન્ટ પુરુ કરી દેવું જરૂરી છે અને તેથી આ ડેડલાઈન જાળવવા માર્ચના અંતિમ સપ્તાહમાં એસેસમેન્ટ ઓર્ડર ઈસ્યુ કરી દીધા પણ તેમાં જેઓને બે વર્ષના ગાળામાં નોટીસ અપાઈ હતી અને તેમની ડેડલાઈન માર્ચ 31 હતી તેઓને યોગ્ય રજુઆત કરવાની તક પણ અપાઈ નથી અને તેથી તેઓ અદાલતના દ્વાર ખટખટાવી શકે છે. ધ બ્લેક મની (અનડિસ્કલોઝડ) ફોરેન ઈન્કમ એન્ડ એસેટસ) એન્ડ ઈમ્પોશીઝન ઓફ ટેક્ષ એકટ (બીએમએ) જે 1 જુલાઈ 2015થી અમલમાં આવ્યો છે જે હેઠળ જેઓએ કરચોરીના સ્વર્ગ ગણાતા દેશોમાં તેમની મિલ્કત કે બેન્ક ખાતા રાખ્યા છે અને તે તેમના અથવા તેમના અંકુશ હેઠળની કંપ્નીઓ અને ટ્રસ્ટ કે ફાઉન્ડેશનના નામે છે અને તેની માહિતી આવકવેરા વિભાગને આપી નથી. તેઓને આ અંગે ખુલાસો કરવા માટે માર્ચ 2021 પુર્વે જે નોટીસ અપાઈ છે તેમાં બે વર્ષમાં એસેસમેન્ટ પુરા કરવાની જોગવાઈ છે.