ગાઝા શહેરમાં અલ-અલહી હોસ્પિટલ પર ઇઝરાયલના હુમલાની વૈશ્વિક સ્તરે નિંદા થઈ
ઈઝરાયેલી-અમેરિકન બંધકે નેતન્યાહુ સરકાર સામે સવાલ ઉઠાવ્યા હોવાનો વીડિયો હમાસે જાહેર કર્યો
- Advertisement -
ઈઝરાયેલે રવિવારે પામ સન્ડે તહેવારની ઊજવણી વચ્ચે ગાઝામાં હોસ્પિટલ, મ્યુનિસિપલ ઈમારત, ઘરો અને વાહનો પર હુમલા કરતાં મધ્ય-પૂર્વમાં ફરી એક વખત લોહીયાળ જંગ શરૂ થઈ ગયો છે. ઈઝરાયેલના આ હુમલામાં બાળકો સહિત 21 લોકોનાં મોત નીપજ્યા છે. બીજીબાજુ ઈઝરાયેલે ગાઝામાં હવાઈ હુમલા અને તેના સૈનિકોની હાજરી વધારવાની ચેતવણી આપી છે. હમાસ હોસ્પિટલનો ઉપયોગ તેના નાગરિકો પર હુમલાની યોજના બનાવવા કરતું હોવાનો ઈઝરાયેલના સૈન્યનો દાવો
ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ ગાઝામાં સૈન્ય અભિયાન વધારવાની અને પેલેસ્ટાઈનના લોકોને ‘ફાઈટિંગ ઝોન’થી દૂર રહેવા ચેતવણી આપી હતી. ઈઝરાયેલે શનિવારે ‘મોરાગ કોરિડોર’ બનાવવાની જાહેરાત કરી હતી, જેના મારફત ગાઝાના દક્ષિણી શહેર રાફાહને ગાઝા પટ્ટીથી અલગ કરવાની ઈઝરાયેલની યોજના છે. આ યોજનાના ભાગરૂપે ઈઝરાયેલે ગાઝા પર હુમલા વધાર્યા છે.
અલ-અહલિ હોસ્પિટલ પર રવિવારે વહેલી સવારે હુમલો થયો હતો
- Advertisement -
ઈઝરાયેલની એરફોર્સે ઉત્તરીય ગાઝામાં સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડતી અલ-અહલિ હોસ્પિટલ પર રવિવારે વહેલી સવારે હુમલો કર્યો હતો. હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. ફેડેલ નઈમે કહ્યું કે, ઈમર્જન્સી રૂમ, ફાર્મસી અને આજુબાજુની ઈમારતોને ભયાનક નુકસાન થયું છે. હોસ્પિટલ પર હુમલાના કારણે 100થી વધુ દર્દીઓને તાત્કાલિક બહાર કાઢવાની ફરજ પડી હતી, જેમાં એક દર્દી, જે બાળકી હતી તેનું મોત થઈ ગયું હતું. ખ્રિસ્તી વર્ષના સૌથી પવિત્ર સપ્તાહની શરૂઆતના પામ સન્ડે તહેવારના દિવસે જ ઈઝરાયેલે આ હુમલો કર્યો હતો. ઈશુ ખ્રિસ્તના યરુસલેમમાં આગમનની યાદમાં આ તહેવાર ઊજવાય છે.દરમિયાન ઈઝરાયેલે દાવો કર્યો હતો કે, તેણે એક કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. હમાસ હોસ્પિટલનો ઉપયોગ ઈઝરાયેલના નાગરિકો અને સૈનિકો પર હુમલાની યોજના બનાવવા અને હુમલા કરવા માટે કરે છે. ઈઝરાયેલ ગાઝામાં હુમલા ચાલુ રાખશે અને સૈન્ય કાર્યવાહી વધારશે. તેઓ હમાશ પર દબાણ બનાવવાનું ચાલુ રાખશે, જેથી ૫૯ બંધકોને છોડાવી શકાય.
બીજીબાજુ ઈઝરાયેલના હુમલા વચ્ચે હમાસે 7 ઑક્ટોબર 2023ના રોજ બંધક બનાવેલા એક અમેરિકન નાગરિકનો વીડિયો જાહેર કર્યો હતો.આ બંધકનું નામ એડન એલેક્ઝાન્ડર હોવાનું કહેવાય છે. વીડિયોમાં તેણે ઈઝરાયેલની નેતન્યાહુ સરકાર અને અમેરિકાની ટ્રમ્પ સરકારને ઘેરતા પોતાની મુક્તિ માટે વિનંતી કરી હતી. તેણે ઈઝરાયેલની સરકારને બંધકોની મુક્તિ માટે વાત આગળ નહીં વધારવાનું કારણ પૂછ્યું હતું. જોકે, આ વીડિયો ક્યાં અને ક્યારે રેકોર્ડ કરાયો છે તે જાણી શકાયું નથી. એડને પોતાને ઈઝરાયેલના સૈન્યમાં કામ કરતો સૈનિક ગણાવ્યો છે.