70 લોકોના મોત
ખાસ-ખબર સંવાદદાતા
આજે સમગ્ર વિશ્ર્વ ક્રિસમસનો તહેવાર ઉજવી રહ્યું છે ત્યારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આજે પણ યુદ્ધ ચાલુ જ છે. ઈઝરાયેલે ક્રિસમસના દિવસે ગાઝા પર મોટી એર સ્ટ્રાઈક કરી છે. ઈઝરાયેલે ક્રિસમસની પૂર્વ સંધ્યાથી લઈને આજે સવાર સુધી ગાઝા પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં લગભગ 70 લોકોના મોત થઈ ગયા છે. ગાઝામાં થયેલા 70 મોત બાદ સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે. લોકો પોતાના સ્વજનોના મૃતદેહ લઈને ભાગતા નજર આવી રહ્યા છે. પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ ઈઝરાયેલના આ હુમલાને ’નરસંહાર’ ગણાવ્યો છે. આ હુમલો અલ-મગાજી શરણાર્થી શિબિર પર કરવામાં આવ્યો છે. ઈઝરાયેલના આ હુમલા પર ફ્રીડમ થિયેટરએ કહ્યું કે અધિકૃત વેસ્ટ બેંકમાં જેનિન શરણાર્થી શિબિર પર ઈઝરાયેલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેનિન-આધારિત થિયેટર કંપનીએ ડ પર એક પોસ્ટમાં લખ્યું કે ક્રિસમસ ડેની શરૂૂઆત જેનિન શરણાર્થી શિબિર પર બીજા હુમલા સાથે શરૂૂ થઈ છે. ફ્રીડમ થિયેટરના નિર્માતા મુસ્તફા શેટાને ઈઝરાયેલની સેનાએ 13 ડિસેમ્બરે ધરપકડ કરી હતી. ત્યારથી તેઓ કસ્ટડીમાં છે. બીજી તરફ આ સમગ્ર મામલે ઈઝરાયેલની સેનાએ પણ નિવેદન જારી કર્યું છે. ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે, તેઓ આ ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે. સેનાનું કહેવું છે કે, તેઓ હમાસને નિશાન બનાવવા માંગે છે સામાન્ય લોકોને નહીં. 7 ઓક્ટોબરના રોજ હમાસે સૌથી પહેલા ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઈઝરાયેલે હમાસ વિરુદ્ધ યુદ્ધનું એલાન કરી દીધુ હતું.