ઇઝરાયલી બંધકો માટે સહાય આવી તો ગઈ, પરંતુ તેના પહોંચવા અંગે હજી સુધી કોઈ ખાતરી મળી નથી
પેલેસ્ટાઇનીઓનો મૃત્યુઆંક 25 હજારને વટાવી ગયો
ખાસ-ખબર સંવાદદાતા
ઇઝરાયલે ઉત્તર ગાઝા પછી હવે દક્ષિણ ગાઝામાં કરેલા હુમલામાં 16 પેલેસ્ટાઇનીના મોત થયા છે. તેમા અડધા તો બાળકો છે. આ વિસ્તારમાં મોટાપાયા પર નાગરિકોએ આશ્રય લીધો છે. આ ઉપરાંત ફ્રાન્સ અને કતારને વચ્ચે રાખીને થયેલા ડીલ મુજબ હમાસે પકડેલા ડઝનેક બંધકોને દવાઓ પહોંચી છે કે નહી તેના અંગેનું કોઈ અપડેટ જાણવા મળ્યું નથી.
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને 100 દિવસ થઈ ગયા છે. સાતમી ઓક્ટોબરના રોજ થયેલા આતંકવાદી હુમલામાં હમાસે ઇઝરાયલની સરહદી સુરક્ષા હરોળ તોડીને 1200થી વધુ ઇઝરાયલીઓની હત્યા કરી હતી અને 250થી વધુને બંધક બનાવ્યા છે. તેના પછી ઇઝરાયલે તેની ઇતિહાસની અત્યાર સુધી વિનાશક લશ્કરી કાર્યવાહી શરુ કરી છે. તેના ભાગરુપે તેણે ઉત્તર ગાઝા સાફ કરી નાખ્યું છે. તેમા 25 હજારથી વધારે પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે. 23 લાખની વસ્તીમાંથી 85 ટકા એટલે કે 20 લાખ લોકો વિસ્થાપિત થઈ ગયા છે. તેમા અડધા ઉપરાંત તો સ્ત્રીઓ અને બાળકો છે. તેની સાથે ઇઝરાયલે હમાસના નવ હજાર આતંકવાદીને ખતમ કરવાનો દાવો કર્યો છે.તેની સામે ઇઝરાયલના પણ લગભગ 200થી વધુ સૈનિક માર્યા ગયા હોવાનું જણાવ્યું છે. પેલેસ્ટાઇની નાગરિકોના મોત માટે પણ ઇઝરાયલને હમાસને જવાબદાર ઠેરવ્યુ છે. ઇઝરાયલનું કહેવું છે કે હમાસને તેના કેન્દ્રો માનવ વસાહતોની અંદર બનાવવાના લીધે આ સ્થિતિ સજાઈ છે.
હમાસે બંધક બનાવેલા ઇઝરાયલીઓ અંગે ફ્રાન્સ અને કતારને મધ્યસ્થીમાં રાખીને તે કરાર કર્યો છે કે ઇઝરાયેલી બંધકો માટે જનારા દવાના એક બોક્સના બદલામાં હજાર પેલેસ્ટાઇનીઓને દવા અને ખોરાક મળે તથા માનવતાવાદી સહાય મળે. કતારે મોડી રાતે તે વાતને સમર્થન આપ્યું હતું કે દવાઓ ગાઝામાં પ્રવેશી ચૂકી છે. પરંતુ આ દવાઓ બંધકોને આપવામાં આવી છે કે નહી તેની હજી સુધી ખબર પડી નથી.