અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, ડ્રોન હુમલો જેમાં ત્રણ બહાદુર અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા તે ઈરાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો
જોર્ડનમાં ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકોના મોત પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનનું નિવેદન આવ્યું છે. બદલો લેવાની વાત કરતા જો બિડેને કહ્યું છે કે, હુમલાખોરોને જડબાતોડ જવાબ આપવામાં આવશે. બિડેને આ હુમલા માટે ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠનોને સીધા જ જવાબદાર ઠેરવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, ડ્રોન હુમલો જેમાં ત્રણ બહાદુર અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા તે ઈરાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
- Advertisement -
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બાદ આ પહેલીવાર છે કે જ્યારે મધ્ય પૂર્વમાં કોઈ અમેરિકન સૈનિકનું મોત થયું હોય. પોતાના સૈનિકોના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા યુએસ પ્રમુખ જો બિડેને રવિવારે શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે,ગઈકાલે રાત્રે અમારા એક બેઝ પર થયેલા હુમલામાં અમે 3 બહાદુર સૈનિકો ગુમાવ્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, જોર્ડનમાં જ્યાં અમેરિકી ચોકી પર હુમલો કરવામાં આવ્યો હતો તે વિસ્તાર સીરિયા સાથે તેની સરહદ વહેંચે છે. સરહદી વિસ્તારમાં ટાવર-22 પર ડ્રોન હુમલો થયો છે, જેમાં અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. અધિકારીઓનો દાવો છે કે ડ્રોન હુમલો ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ હુમલો સીરિયાથી કરવામાં આવ્યો હતો. ઉત્તર-પૂર્વ જોર્ડનમાં થયેલા હુમલામાં ત્રણ સૈનિકોની હત્યા ઉપરાંત ઓછામાં ઓછા 25 જવાનો ઘાયલ થયા છે. એરબેઝને પણ મોટું નુકસાન થયું છે.
સૈન્ય મથક પર તૈનાત એર ડિફેન્સ સિસ્ટમ ડ્રોનને રોકવામાં કેવી રીતે નિષ્ફળ રહી તે અંગે અમેરિકાએ પણ કંઈ સ્પષ્ટ કર્યું નથી. જોર્ડનમાં અમેરિકન સૈન્ય મથક પર આ પ્રથમ વખત હુમલો થયો છે. 17 ઓક્ટોબરથી અમેરિકા અને સહયોગી દળો ઈરાન સમર્થિત જૂથો સામે મોરચો ખોલી રહ્યા છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇરાક-સીરિયામાં અમેરિકન અને સહયોગી દેશોના સૈન્ય ઠેકાણાઓ પર ઓછામાં ઓછા 158 હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલાઓમાં મિસાઈલ, રોકેટ અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હુમલામાં મોટી સંખ્યામાં અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે અને સૈન્ય મથકોને પણ મોટું નુકસાન થયું છે.