વૃદ્ધ મહિલાની નજર ચુકવી ચોરી કરનાર અમદાવાદના બે શખ્સો ઝડપાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢમાં મજેવડી દરવાજા બહાર રહેતા 55 વર્ષીય ગૌરીબેન જેન્તીભાઈ બારૈયાની નજર ચૂકવી સોનાનો ચેન ચોરનાર 2 શખ્સને પોલીસે દબોચી વધુ તપાસ હાથ ધરી છે. મહિલા 29 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે દીકરા સાથે મામલતદાર ઓફિસે રેશનકાર્ડનું કેવાયસી કરાવવા ગયા હતા. અને બાદમાં રિક્ષામાં બેસી ચિતાખાના ચોક ખાતે આવ્યા હતા. તે દરમિયાન તબિયત બગડતા ચિતાખાના ચોકમાં ઓટા ઉપર આરામ કરવા બેઠા હતા. તેવામાં 20 થી 25 વર્ષની ઉંમરના 2 અજાણ્યા શખ્સ આવતા મહિલાએ ગળામાં પહેરેલ સોનાનો ચેન કાઢી પાકીટમાં મૂકી દીધો હતો. નઆ દરમ્યાન શખ્સે ’અમારી પાસેની વીંટી સાચી છે કે નહીં તે તમે તપાસી આપો’ કેમ કહેતા મહિલા વીંટી તપાસતા હતા ત્યારે તેમની નજર ચૂકવી પાકીટમાંથી રૂપિયા 50 હજારની કિંમતના સોનાના ચેનની ચોરી કરીને બંને નાસી ગયા હતા. નઆ ઘટના અંગે એ ડિવિઝનના પીઆઇ બી. બી. કોળી, મિતુલ પટેલના માર્ગદર્શનમાં નપીએસઆઇ વાય. એન. સોલંકી સહિતની ટીમે સીસીટીવી કેમેરાના માધ્યમથી તપાસ હાથ ધરી અમદાવાદમાં નરોડા પાટિયા પાસે આવેલ નહેરુનગર કુબેરનગરમાં ભાડાના મકાનમાં રહેતો 21 વર્ષીય જીતુ વિષ્ણુ સોલંકી અને 20 વર્ષીય અર્જુન શાંતિ રાઠોડની અટક કરી સોનાનો ચેન કબજે કર્યો હતો.