ખાસ-ખબર સંવાદદાતા
એનઆઇએએ ગુરુવારે કેરળમાં આઇએસઆઇએસ (ઇસ્લામિક સ્ટેટ)ના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો હતો. મોડ્યુલના એક સભ્યની તમિલનાડુમાંથી ધરપકડ કરવામાં આવી છે. કેરળમાં શંકાસ્પદ આરોપીઓના ચાર સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું. એનઆઈએના પ્રવક્તાએ કહ્યું કે ઇસ્લામિક સ્ટેટના મોડ્યુલનો પર્દાફાશ કરવા માટે થ્રિસુરમાં ત્રણ અને કેરળના પલક્કડમાં એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.
મંગળવારે NIAએ આરોપી આશિફ ઉર્ફે મૈથિલ અકથ કોડાયિલ અશરફની તમિલનાડુના સત્યમંગલમથી ધરપકડ કરી હતી. સૈયદ નબીલ અહેમદ, થ્રિસુરના શિયા ટીએસ અને પલક્કડના રઈસ તરીકે ઓળખાતા આશિફ તેમજ અન્ય ત્રણના ઘરોમાં સર્ચ કરવામાં આવ્યું હતું. NIAએ ગુરુવારે યુપીની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી ફૈઝાન અન્સારી ઉર્ફે ફૈઝની ઇસ્લામિક સ્ટેટ સાથે સંબંધ હોવાના કારણે ધરપકડ કરી છે. એનઆઇએના અધિકારીઓએ 16 અને 17 જુલાઈના રોજ ઝારખંડમાં ફૈઝાનના ઘર અને અલીગઢમાં તેના ભાડાના રૂમની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ઘણા ઈલેક્ટ્રોનિક સાધનો અને વાંધાજનક સામગ્રી અને અન્ય દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.