જ્યારે આઈ-વે પ્રોજેક્ટ લગાવાયો ત્યારે કટોકટીની સ્થિતિમાં મદદ મળશે તેવી ગુલબાંગો ફેંકી હતી પરંતુ અત્યારે સ્થિતિ અલગ
તંત્રએ સીસીટીવી દ્વારા ટ્રાફિક જામ, રસ્તામાં ખાડા, વૃક્ષ-થાંભલા ક્યાં પડ્યા, ક્યાં પાણી ભરાયા તે તપાસી તાત્કાલિક મદદે પહોંચી જવું જોઈએ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આઇ-વે પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેરમાં આશરે 1 હજાર જેટલા સીસીટીવી કેમેરા લાગી ગયા છે. સીસીટીવી કેમેરાથી શહેરીજનોને ટ્રાફિક જામની સ્થિતિમાંથી રાહત મળશે, કટોકટીની સ્થિતિમાં તાકીદે મદદ મળી રહેશે. શહેરમાં કોઇપણ સ્થળે દબાણ થશે તો તે તાકીદે દૂર કરી દેવાશે આવી અનેક ગુલબાંગો ફેંકવામાં આવી હતી. આમ આઇ-વે પ્રોજેક્ટથી શહેર સ્માર્ટ સિટી બનશે તેવી વાતો હજુ તો કાગળ પર જ છે માત્ર શહેરીજનોને દંડવા માટે જ કેમેરાનો ઉપયોગ થતો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
સ્માર્ટ સિટી અને આઇ-વે પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાને કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા રહેશે નહીં. કોઇપણ સ્થળે ટ્રાફિકજામ થશે તો કેમેરા પરથી પોલીસને એલર્ટ મળી જશે અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી જઇ ટ્રાફિકજામ દૂર કરી દેશે, પરંતુ તેવું થઇ રહ્યું નથી. શહેરની પાણી વિતરણ વ્યવસ્થા પાઇપ લીકેજ કે પાઇપ તૂટવાથી ઠપ થાય તેવા સંજોગોમાં પાઇપ તૂટવાની કે લીકેજની ઘટના તાકીદે કેમેરામાં કેદ થઇ જશે અને તૂટેલી લાઇન તાકીદે રિપેર થઇ જશે, પરંતુ આવું પણ બનતું નથી. શહેરમાં ઘરે ઘરે જઇ ટિપરવાન કચરો એકઠો કરે છે અને જ્યારે કોઇ ટિપરવાન નિયત સ્થળે નહીં પહોંચે તો તે કેમેરામાં કેદ થઇ જશે, પરંતુ હજુ પણ ટિપરવાન નહીં આવતા હોવાની અનેક વિસ્તારોમાં બૂમરાણ છે જ. આમ સીસીટીવી કેમેરાનો હેતુ વાહનચાલકો પાસેથી દંડ વસૂલવાનો હોય તેવું લોકોને લાગી રહ્યું છે.
- Advertisement -
એક જાગૃત નાગરિકે વહીવટી અને મનપા તંત્રને કરી રજૂઆત
રાજકોટ શહેરના એક જાગૃત નાગરિકે કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને પણ કરી છે. સીસીટીવીનો ઉપયોગ ફક્ત પ્રજાને દંડ કરવા માટે જ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલ વરસાદને લઈને શહેરમાં ભારે તારાજી સર્જાઈ છે રોડ બંધ થઈ ગયા છે ગાડીઓ ફસાઈ ગઈ છે વૃક્ષો અને થાંભલાઓ પડી ગયા છે ત્યારે સીસીટીવી કેમેરાની મદદથી ક્યાં કેટલી મુશ્કેલીઓ છે તે જોઈ શકાય છે તેથી ત્યાં તરત જ મદદે પહોંચી શકાય. પરંતુ તંત્રને મદદમાં નહીં રૂપિયાની મલાઈમાં રસ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.