સૌરભ શાહ
લોકોમાં જો હિંમત હોય તો એમણે મને નહીં પણ ખ્રિસ્તીઓને અને મુસ્લિમોને કહેવું જોઈએ કે, ‘અમારામાં જેમ સૌરભ શાહે જદુનાથનાં કુકર્મોને ખુલ્લાં પાડનાર કરસનદાસ વિશે નવલકથા લખી તેમ તમારા કોઈ લેખકને જઈને કેમ નથી કહેતા કે એ પણ આવી કોઈ દસ્તાવેજી નવલકથા લખે.’
- Advertisement -
જેમને હું બહુ નિકટથી ઓળખું છું એ ભાઈને મેં કહ્યું કે : ‘છેલ્લા એક મહિનાથી હું તમારી પત્નીને વિવિધ પુરુષો સાથે જોઉં છું. ફલાણી તારીખે અમુક માણસ સાથે પેલી કોફી શોપમાં જોઈ. ઢીકણી તારીખે તમુક પુરુષ સાથે ત્યાંની રેસ્ટોરાંમાં ડિનર લેતાં જોઈ. પેલી રજાના દિવસે શહેરની જાણીતી હોટેલમાં તમારી પત્નીને કોલેજિયન સાથે જોઈ અને…’
મને સાંભળીને એ ઓળખીતા ભાઈ કહેવા લાગ્યા : ‘તમને ખબર છે કે મારી ઑફિસના બોસની પત્નીનું કેરેક્ટર કેવું છે? એના વિશે તમે કેમ કંઈ નથી બોલતા? મારી સામેના બંગલામાં રહેતી પાડોશણના ચારિત્ર્ય વિશે સૌ કોઈને ખબર છે. તમે એના વિશે કહો. અને મારા સાળાની દીકરી કોલેજમાં એના પ્રોફેસર સાથે… તમે એના વિશે તો કંઈ કહેતા જ નથી’.
કેટલાક લોકો આજકાલ આ ઓળખીતા ભાઈની જેમ સમાજ્યા કર્યા વગર ભરડવા માંડ્યા છે : ‘મુસ્લિમો વિશે ખરાબ લખો, ખ્રિસ્તીઓ વિશે ખરાખ લખો, બીજા ધર્મો વિશે લખો, હિંમત હોય તો’.
પહેલી વાત : મેં ‘મહારાજ’માં હિંદુ ધર્મ વિશે કે હિંદુઓ વિશે કંઈ ખરાબ નથી લખ્યું. વૈષ્ણવ સંપ્રદાય કે વૈષ્ણવો વિશે કંઈ ખરાબ નથી લખ્યું. વૈષ્ણવ ધર્મના એક હિસ્સા એવા સાડા પાંચસો વર્ષ અગાઉ વલ્લભાચાર્યજીએ સ્થાપેલા પુષ્ટિ માર્ગ વિશે કે પુષ્ટિ માર્ગની હવેલીના બધા મહારાજો વિશે પણ કંઈ ખરાબ નથી લખ્યું. ‘મહારાજ’માં માત્ર અને માત્ર જદુનાથ મહારાજનાં કુકર્મો વિશે વિગતે વાત છે અને તે વખતના અન્ય કેટલાક મહારાજોનાં ધર્મવિરુદ્ધનાં આચરણો વિશેની એ જ બધી વાતો છે જે ‘મહારાજ લાયબલ કેસ, 1862’ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટ ઑફ બોમ્બેના રેકર્ડ પર છે જેની સર્ટિફાઈડ નકલ મુંબઈની હાઈકોર્ટમાંથી કઢાવીને મારા સોલિસિટર મિત્રે મને આપી છે. આ વાતો મેં એક્સપોઝ નથી કરી, હું બહાર લાવવા નથી ગયો. 1860માં કરસનદાસ મૂળજીએ એક્સપોઝ કરી, જનતા સમક્ષ મૂકી.
બીજી વાત: લોકોએ તો એ પૂછવું જોઈએ કે અમારા ધર્મમાં જેમ કરસનદાસ મૂળજી જેવા સુધારક હતા તેમ તમારા ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મમાં કોઈ કરસનદાસ મૂળજી હતા જેમણે સમાજ સુધારક તરીકે આટલું મોટું કામ કર્યું હોય? નહોતા તો કેમ નહોતા? અને જો હતા તો એ સુધારક વિશે અત્યારે કેમ કોઈ જાણતું નથી.
ત્રીજી વાત: લોકોમાં જો હિંમત હોય તો એમણે મને નહીં પણ ખ્રિસ્તીઓને અને મુસ્લિમોને કહેવું જોઈએ કે, ‘અમારામાં જેમ સૌરભ શાહે જદુનાથનાં કુકર્મોને ખુલ્લાં પાડનાર કરસનદાસ વિશે નવલકથા લખી તેમ તમારા કોઈ લેખકને જઈને કેમ નથી કહેતા કે એ પણ આવી કોઈ દસ્તાવેજી નવલકથા લખે.’
શું આખી દુનિયાની ગંદકી સાફ કરવાની જવાબદારી એકલા સૌરભ શાહની જ છે? તમારી કોઈ જ જવાબદારી નથી? સૌરભ શાહે પોતાનાથી જેટલું થાય એટલું કર્યું છે, વર્ષોથી કરતો આવ્યો છે અને વર્ષો સુધી કરતો રહેશે. અને કેટલાક નગુણાઓ એનો આભાર માનવાને બદલે એને જ બિવડાવે છે, ધમકાવે છે.
ચોથી વાત: બ્રિટિશ અદાલતે ભગતસિંહને ફાંસી આપતો ચુકાદો આપેલો, સાવરકરને સજા કરતો ચુકાદો આપેલો, લોકમાન્ય ટિળકને સજા કરતો ચુકાદો આપેલો – શું આ બધા ચુકાદા તમને માન્ય છે ? આ ચુકાદાઓ જેમ એક સાચા ભારતીયને માન્ય ન હોય એમ જદુનાથ મહારાજ વિરુદ્ધ બ્રિટિશ કોર્ટે આપેલો ચુકાદો પુષ્ટિમાર્ગી વૈષ્ણવોને કેવી રીતે માન્ય હોઈ શકે?
વાક્ચાતુરીથી ઘડીભર ભોળા ભાવકોને આંજી દેનારી આ દલીલમાં બેવકૂફી સિવાય બીજું કશું નથી. અંગ્રેજીમાં આવા કુતર્કોથી ભરેલી દલીલબાજીને વોટબ્યુટરી કહે છે. (આપણે એને ‘લવારો’ પણ કહી શકીએ અથવા ‘બકવાસ’ કહી શકીએ.)
અંગ્રેજોએ બનાવેલા દેશદ્રોહના કાનૂન પ્રમાણે ભારતના તે વખતના ક્રાંતિકારીઓ ક્રાંતિકારી નહોતા, દેશદ્રોહીઓ હતા. આપણે આ ક્રાંતિકારીઓને આજે પણ પૂજીએ છીએ, ત્યારે પણ પૂજતા હતા. એ જ કાનૂન આઝાદી પછી ભારતમાં ચાલુ છે અને હવે એ કાનૂન હેઠળ બીજાઓ જેને ‘ક્રાંતિકારીઓ’ ગણે છે તે આતંકવાદીઓ – અફઝલ ગુરુથી માંડીને અજમલ કસાબ અને ભિંદરાવાલેથી માંડીને ઇન્દિરા ગાંધીના હત્યારા સુધીના ખાલિસ્તાનવાદીઓ – ભારત માટે દેશદ્રોહી છે, આતંકવાદી છે, ક્રાંતિકારી નથી.
અંગ્રેજોએ ઘડેલા દેશદ્રોહવાળા કાનૂનની જેમ ડિફેમેશન, લાયબલ કે બદનક્ષીનો કાયદો પણ આઝાદી પછી ભારતમાં લાગુ પડતો રહ્યો છે. બે કાનૂનોની અને બે તદ્દન જુદી પરિસ્થિતિઓની ભેળસેળ કરીને ભોળા ભાવકોની આંખમાં ધૂળ નાખીને વાતાવરણને વિષમય બનાવવાની જે કોશિશ થઈ રહી છે તે ખૂબ જ ચિંતાજનક છે, નિંદનીય છે.
- Advertisement -
એક મહત્ત્વની વાત. અતિ મહત્ત્વની વાત. બ્રિટિશ સામ્રાજ્યની અદાલતોમાં ભગત સિંહ, સાવરકર, ટિળક જેવા ક્રાંતિકારી નેતાઓ સામે ચાલીને નહોતા ગયા. આ ક્રાંતિકારીઓએ ન્યાય લેવા માટે બ્રિટિશ અદાલતોનો આશ્રય નહોતો લીધો.
મહારાજ જદુનાથને બ્રિટિશ ન્યાયતંત્ર પર એટલો બધો વિશ્ર્વાસ હતો, એટલી બધી શ્રદ્ધા હતી કે તેઓ બ્રિટિશ અદાલતમાં ગયા અને એમણે કરસનદાસ મૂળજી પર રૂપિયા પચાસ હજારનો બદનક્ષીનો દાવો સુપ્રીમ કોર્ટ ઑફ બોમ્બેમાં માંડીને નામદાર અદાલતને ન્યાય તોળવાની અરજ કીધી. અદાલતે બેઉ પક્ષના વકીલોને સાંભળીને, ફરિયાદીને અને પ્રતિવાદીને સાંભળીને અને બેઉ પક્ષોએ રજુ કરેલા સાક્ષીઓની જુબાનીઓ નોંધીને જે ચુકાદો આપ્યો તે ‘મહારાજ લાયબાલ કેસ, 1862’ તરીકે દોઢ સૈકાથી જગપ્રસિદ્ધ છે.
આ કેસમાં બ્રિટિશ જજ સાહેબોએ સંસ્કૃત શ્ર્લોકોનું અવળું અર્થઘટન કરીને જદુનાથ મહારાજ વિરુદ્ધ ચુકાદો આપ્યો એવા આક્ષેપો પણ ગેરમાહિતી ફેલાવનારાઓ કરી રહ્યા છે. બે વાત છે આમાં: કોર્ટનો ચુકાદો જદુનાથ મહારાજની વિરુદ્ધમાં કે કરસનદાસ મૂળજીની તરફેણમાં નથી પણ પોતાની બદનક્ષી થઈ છે એવો જદુનાથ મહારાજનો દાવો કોર્ટે માન્ય નથી રાખ્યો, એમની અરજી ગેરમાન્ય રાખી. કરસનદાસ દ્વારા એમની બદનક્ષી થઈ છે એવું કોર્ટને ક્યાંય લાગ્યું નથી એવો ચુકાદો છે. છાપાળવી ભાષામાં કહીએ તો કોર્ટે જદુનાથ મહારાજની અરજીને ‘ફગાવી દીધી’ છે.
અને આ ઘણી અગત્યની વાત: કવિ નર્મદ સંસ્કૃતના જ્ઞાતા હતા. સંસ્કૃત શ્ર્લોકોના અર્થઘટન અને અનર્થઘટન વિશે જદુનાથ મહારાજ સાથે લાંબો પત્રવ્યવહાર કર્યા બાદ બંને વચ્ચે મુંબઈમાં શ્રોતાઓથી ખીચોખીચ એક સભા યોજીને શાસ્ત્રાર્થ થયો. એમાં નર્મદે પુરવાર કર્યું કે કેવી રીતે સંસ્કૃતના શ્ર્લોકોનું ખોટું અર્થઘટન કરીને ભક્તોને છેતરવામાં આવે છે. નવલકથામાં આ વિશે વિગતવાર લખાયું છે. સંસ્કૃતના વિદ્વાનો અને નિષ્ણાતોએ મંજૂર કરેલા અનુવાદો જ બ્રિટિશ અદાલતે આ કેસમાં માન્ય રાખ્યા છે.
પોતાની એબ છુપાવવા માટે એ જ એબ બીજામાં છે એવો આક્ષેપ કરવો એ ઘણી જૂની ને જાણીતી ચાલ છે. (આ જ ચાલ વર્ષોથી કોગ્રેસીઓ અને આજકાલ આપિયાઓ રમતા આવ્યા છે – જે જુદો વિષય છે).
સંસ્કૃત શ્ર્લોકોનું ગલત અર્થઘટન અદાલતે, કરસનદાસ કે નર્મદે નથી કર્યું. બીજા લોકોએ કર્યું. આપણે જે કંઈ ભોગવીએ છીએ તે ભગવાનને ધરાવીને ભોગવવું. કારણકે એ બધું ભગવાનના આશીર્વાદથી જ આપણને મળેલું છે. માટે જે ભોજન ગ્રહણ કરીએ છીએ તે ભોગ ભગવાનને ધરાવવો અને પછી એને પ્રસાદરૂપે આરોગવો. કેટલી સુંદર ભાવના છે.
આ અદભુત ક્ધસેન્ટનું અર્થઘટન કેટલાક લોકો દ્વારા શું કરવામાં આવ્યું હતું? જેની સાથે લગ્ન થયું છે તે પત્નીને ભોગવતાં પહેલાં ભગવાનને ધરાવવાની અને પછી ભોગવવાની. અને આ ભગવાન એટલે કોણ? તે વખતના જે તે મહારાજ. તો એમની પાસે મોકલવાની. પ્રથમ રાત્રિનો ભોગ ધરાવ્યા બાદ પત્નીને પ્રસાદ માનીને સ્વીકારવાની.
એટલું જ નહીં એ મહારાજે ચાવીને થૂંકેલું પાન પણ પ્રસાદ તરીકે (એને ઓગાર કહે) ભક્તોએ આરોગવાનું. એમના નહાયા પછી, એમના ચરણ ધોયા પછી જે ગંદું પાણી હોય તેને તાંબાકુંડીમાં ભેગું કરીને એને ‘ચરણામૃત’ કહીને ભક્તોમાં વહેંચવાનું અને ભક્તોએ હોંશેહોંશે પી જવાનું. સંસ્કૃતના ઉમદા શ્ર્લોકોનું મિસઈન્ટરપ્રીટેશન કરીને આવી કેટલીક રીતરસમો દાખલ કરવામાં આવેલી જે અદાલતમાં કરસનદાસે, નર્મદે અને અન્યોએ ઉઘાડી પાડી. સંસ્કૃત ભાષાના માન્ય વિદ્વાનોની મદદથી આ બધું કામ થયું – અધ્ધરતાલ નથી થયું.
‘મહારાજ’ વિશે અપપ્રચાર કરતા સંદેશાઓથી અને એવા લોકોથી સમાજના સમજુ લોકોએ સાવધ રહેવું જોઈએ, બીજાઓને સાવધ કરવા જોઈએ. અગાઉ કહ્યું હતું અને આજે ફરીથી કહું છું : કોઈ એક શિક્ષક પોતાની વિદ્યાર્થીની પર બળાત્કાર કરે તો બધા શિક્ષકો બળાત્કારી થઈ જતા નથી પરંતુ જ્યારે આ નિર્દોષ શિક્ષકો પેલા બળાત્કારી શિક્ષકનું ઉપરાણું લેવા માંડે છે ત્યારે આ તમામ શિક્ષકજાતનું નીચાજોણું થાય છે.
સંસ્કૃત શ્ર્લોકોનું ગલત અર્થઘટન અદાલતે, કરસનદાસ કે નર્મદે નથી કર્યું, બીજા લોકોએ કર્યું. આપણે જે કંઈ ભોગવીએ છીએ તે ભગવાનને ધરાવીને ભોગવવું. કારણકે એ બધું ભગવાનના આશીર્વાદથી જ આપણને મળેલું છે, જેની સાથે લગ્ન થયું છે તે પત્નીને ભોગવતાં પહેલાં ભગવાનને ધરાવવાની અને પછી ભોગવવાની. અને આ ભગવાન એટલે કોણ? તે વખતના જે તે મહારાજ, તો એમની પાસે મોકલવાની, પ્રથમ રાત્રિનો ભોગ ધરાવ્યા બાદ પત્નીને પ્રસાદ માનીને સ્વીકારવાની!