ખેડૂતોની મંજુરી વગર જ ખેતરમાં ટાવર ખડકી દીધાં
મીડિયા વિરૂદ્ધ પણ સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવાતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ
- Advertisement -
વાંઢીયા ગામમાં અદાણી કંપનીની વીજલાઈન મુદ્દે ખેડૂતોમાં નારાજગી વ્યાપી રહેલી છે ત્યારે ખેડૂતની પરવાનગી વિના કંપની દ્વારા ખેતરમાં ખોદકામ શરૂ કરાતાં હોબાળો મચ્યો છે. પોલીસે ખેડૂતોના હક્કની રક્ષા કરવાને બદલે તેઓને જ ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. કેટલાંક ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, બંદૂકો લઈને આવી પહોંચેલી પોલીસે અમે આતંકવાદીઓ હોય તેવું વર્તન કર્યું છે.
ખાસ-ખબર ન્યૂઝ ભચાઉ
કચ્છના ભચાઉ તાલુકાના વાંઢીયા ગામમાં અદાણી કંપની દ્વારા ખેડૂતોની પરવાનગી વિના તેમના ખેતરોમાં વીજલાઈન ટાવરનું કામ શરૂ કરી દીધું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. વાંઢીયા ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર કલેક્ટર દ્વારા અગાઉના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે, ગામના ખેડૂતોને સમજાવીને અને તેમની સાથે ચર્ચા કર્યા બાદ મંજૂરી લઈને જ પ્રોજેક્ટ સંબંધિત કામ કરવું જોઈએ. આમ છતાં વાંઢીયા ગામના ખેડૂતોના આક્ષેપ મુજબ અદાણી કંપની દ્વારા કોઈપણ પ્રકારની ચર્ચા-વિચારણા કર્યા વિના કે લેખિત મંજૂરી વગર ખેતરોમાં વીજલાઈન ટાવર નાખવાનું કામ શરૂ કરી દીધું છે.
જોકે સ્થાનિક અધિકારીઓએ અદાણી કંપનીની તરફેણમાં દાવો કર્યો છે કે, કંપનીની ગામના ખેડૂતો દસેક જેટલી મિટિંગ યોજાઈ ગઈ છે. બધું નિયમ અને પરવાનગી મુજબ ચાલી રહ્યું છે. બીજી તરફ સ્થાનિક અધિકારીઓ દ્વારા અદાણી કંપનીનો પક્ષ લઈ અવળચંડાઈ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ ખેતરોમાં વિરોધ પ્રદર્શન કરી અદાણી કંપનીનું કામ અટકાવવામાં કોશિશ કરી હતી જેની જાણ અધિકારીઓને થતા પોલીસ બોલાવવામાં આવી હતી અને વિરોધ પ્રદર્શન કરનારા ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી હતી.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, અદાણી કંપનીના કર્મચારીઓ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા સમગ્ર મામલો દબાવી દેવા મીડિયા વિરુદ્ધ પણ સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવવામાં આવી છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. ભચાઉ તાલુકાના વાંઢીયા ગામે થયેલી આ ઘટનાથી સવાલ ઊભો થયો છે કે, અદાણી કંપની આખરે શું છુપાવવા માગે છે? શું ખરેખર ખેડૂતોના ખેતરમાં કંપનીએ ગેરકાયદે પેશકદમી કરી વીજટાવર ઉભા કરવાના પ્રયત્નો કર્યા છે? આ દરમિયાન હવે વાંઢીયા ગામના ખેડૂતો પોતાની જમીન બચાવવા ઉગ્ર આંદોલન કરશે એવું પણ જાણવા મળી રહ્યું છે.



