રણ શાળાના શિક્ષક બપોરે એક વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી જ રહેતા હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓના બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સરકાર દ્વારા રણ શાળાનું આયોજન કર્યું છે જેમાં મીઠું પકવતા અગરિયાઓના બાળકોને આ રન શાળા મારફતે અભ્યાસનો પાયો મજબૂત કરવા માટે દરેક રણ શાળા દીઠ શિક્ષકોને પણ ફરજ આપી છે પરંતુ સરકારી તંત્રમાં શિક્ષક હોય કે ડોકટર ક્યારેય સરકારી બાબુઓ સમયસર કચેરીમાં ફરજ પર હાજર રહેતા નથી અને એમાંય આ તો શાળા રણમાં હોવાથી આ શિક્ષકોને કોણ કહેવા વાળું હોય ? જેથી આ રણ શાળાના શિક્ષકો મનફાવે ત્યારે આવે છે અને મનફાવે ચાલ્યા જાય છે તેવામાં આ ગુટલીબાજ શિક્ષકોના લીધે અગરિયાઓ બાળકોનો અભ્યાસ ખોરંભે ચડ્યો છે. અહીંના એક જાગૃત નાગરિક દ્વારા જનતા રણ ખાતે આવેલી રણ શાળાની મુલાકાત લીધી હતી જેમાં માત્ર બાળકો જ જોવા મળ્યા હતા જ્યારે અભ્યાસક્રમો આવતા બાળકો અને તેઓના વાલીને પૂછતા શિક્ષક બપોરે એકાદ વાગ્યે આવે છે અને બે કલાકમાં બાળકોને અભ્યાસ પૂર્ણ કરી ત્રણેક વાગ્યે તો ચાલ્યા પણ જતા હોવાનું સામે આવ્યું હતું જેને લઈ બાળકોનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે. ત્યારે આ પ્રકારના ગુટલીબાજ શિક્ષક વિરુધ તત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરાઈ હતી.



