ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
દર વર્ષે તારીખ 31-10-2025 ના રોજ રાષ્ટ્રીય એકતાના પ્રતિક સમાન મહાન સ્વાતંત્ર્ય સેનાની, એક અને અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અનુસાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે રાષ્ટ્રીય એકતા દિવસ જાહેર કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે આજરોજ સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે રન ફોર યુનિટી/ એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું છે.
જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શહેર ખાતે બહાઉદ્દીન કોલેજથી સરદાર પટેલ પ્રતિમા ચોક સુધી એકતા દોડ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં જન પ્રતિનિધિઓ અને નાગરિકોએ ભાગ લીધો હતો. મહેમાઓએ ઝંડી દર્શાવીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ કાર્યક્રમમાં મંચસ્થ મહેમાનોનું સરદાર પટેલની તસવીર આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું. રેલીના અંતે સરદાર પટેલજીની પ્રતિમાને મહાનુભાવોએ શ્રદ્ધાપૂર્વક સુતરની આંટી અર્પણ કરી હતી. તેમજ ઉપસ્થિત સર્વેએ રાષ્ટ્ર એકતા જાળવી રાખવાના શપથ ગ્રહણ કર્યા હતા. આ તકે કાર્યક્રમના અધ્યક્ષ અને સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રીય એકતા માટે હર હંમેશ કાર્યરત રહેવા જણાવ્યું હતું.



 
                                 
                              
        

 
         
         
        